પોલીસે ટ્રક અટકાવતા ટ્રકમાં બેઠેલો એક અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પરથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. જેમાં સતર્ક રહેતી પોલીસને મળતી બાતમીમાં ક્યારેક મોટો જથ્થો હાથે લાગી જતો હોય છે, આજે પણ નવસારી LCB પોલીસને મળેલી બાતમીને આધારે હાઈવે પર પરથાણ પાટિયા પાસેથી 7.76 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલક પકડાયો હતો. જોકે અંધારાનો લાભ લઇ ભાગી છુટેલ ટ્રક ચાલક, દારૂ ભરાવી આપનાર અને અન્ય એક મળી ત્રણ વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કરી, 17.81 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ આજે નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC નયનકુમાર હનુભા, HC મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને PC અર્જુનકુમાર હર્ષદભાઈને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક રાજસ્થાન પાસીંગના ટ્રક અમદાવાદ તરફ જઇ રહેલ છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના જલાલપોર તાલુકાના પરથાણ ગામના પાટિયા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા, ટ્રક ચાલકે પોલીસથી થોડે દૂર ટ્રક ઉભી રાખી દીધો હતો અને ટ્રકમાં સવાર ત્રણેય લોકો અંધારાનો લાભ લઇ ભાગવા માંડ્યા હતા. જેથી પોલીસે તેમનો પીછો કરી, ટ્રક ચાલક અને રાજસ્થાનના રાજસમદ જિલ્લાના પીપલીડોડીયાન ગામના 24 વર્ષીય અનિલકુમાર ખટીકને દબોચી લીધો હતો. જયારે અન્ય ટ્રક ચાલક ફતુ ઉસ્તાદ સહિત બે લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 7.76 લાખ રૂપિયાની વ્હીસ્કી, વોડકા અને બીયરની કુલ 6408 બોટલો અને ટીન કબ્જે કરી અનીલની ધરપકડ કરી હતી. જયારે ઘટના સ્થળેથી ફરાર થયેલા ચાલક ફ્તુ ઉસ્તાદ, રાજસ્થાનથી દારૂ ભરાવી આપનાર સરવન સુથાર તેમજ સુરતના પલસાણા ખાતે પેટ્રોલ પંપ પાસે ઇકો કારમાં આવી, સરવન સુથારને ફોન કરાવી આપનાર શખ્સ મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટ્રક અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 17.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસને વેગ આપ્યો છે.