આરોગ્ય

સરદાર પટેલ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા ડાયરામાં ગીતા રબારી પર લાખો રૂપિયાનો વરસાદ

Published

on

હોસ્પિટલની સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનુ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ

નવસારી : નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલના લાભાર્થે બુધવારે યોજાયેલા લોક ડાયરામાં લોક ગાયિકા ગીતા રબારી પર ભજનોની રમઝટ વચ્ચે લાખો રૂપિયાનો વરસાદ કરાયો હતો. ડાયરા દરમિયાન નવસારીનાં ધારાસભ્ય પીયુષ દેસાઈ સહીત મહાનુભાવોના હસ્તે સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. લોક ડાયરા દરમિયાન હોસ્પિટલને અંદાજિત ૧૫ લાખથી વધુનું દાન મળ્યું હતું.

નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત સરદાર પટેલ હોસ્પિટલને નવસારીના સાંસદ સીઆર પાટીલની સાંસદ ગ્રાન્ટ અને નવસારીની બીટેક્ષ ઓઇન્મેન્ટ કંપનીના સહયોગથી આધુનિક સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી ભુરાલાલ શાહ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા, નવસારી બિલ્ડર એસો. ના પ્રમુખ અને સમાજ આગેવાન ભરત સુખડીયા સહીતના મહાનુભાવોનાં હસ્તે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્રની કોકીલ કંઠી ગીતા રબારીનો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, શહેર અગ્રણી, રાજકારણીઓ તેમજ પાટીદાર સમાજ ભેગો થયો હતો. લોક ગાયિકા ગીતા રબારીએ ભજનોની રમઝટ શરૂ કરતાની સાથે જ તેમના ઉપર ૧૦, ૨૦ અને ૫૦૦ રૂપિયાની કડકડતી ચલણી નોટોનો ઉપસ્થિત રાજકીય આગેવાનો તેમજ સમાજ અગ્રણીઓએ કર્યો હતો. અંદાજિત ૧૦ લાખ રૂપિયાથી વધુની નોટો કોકીલ કંઠી ગીતા રબારીનાં ભજનો પર ઉડાડવામાં આવી હતી. નોટોને રીતસર થાળમાં સજાવીને લાવવામાં આવી હતી અને નોટોના વરસાદ બાદ તેને મોટી મોટી પવાલીઓમાં ભરવામાં આવી હતી. જોકે સરદાર પટેલ હોસ્પિટલના લાભાર્થે સમાજ સહીત અન્ય દાતાઓએ પણ બંને હાથો લંબાવ્યા હતા અને હોસ્પિટલને અંદાજે ૧૫ લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. સાથે જ ધારાસભ્ય પીયુષ દેસાઈએ પણ તેમની ગ્રાન્ટમાંથી ૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે સમાજ આગેવાન અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ગજેરા, નવસારી શહેર ભાજપ પ્રમુખ રમેશ હિરાણી, સમાજ અગ્રણી મહેશ હીરપરા સહીત સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ડાયરા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version