વિદ્યાર્થીઓ પર દબાણ નહિ, પણ પ્રોત્સાહન આપવા વાલીઓને જિલ્લા શિક્ષણ વિભાગે પાઠવ્યા શુભેચ્છા પત્ર
નવસારી : ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા વિદ્યાર્થી જીવનની મહત્વની પરીક્ષા માનવામાં આવે છે. આ બંને પરીક્ષાઓને લઇને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હોય છે અને પ્રતિસ્પર્ધાના જમાનામાં તેમના માતા-પિતા પણ સારા માર્ક્સ લાવવા માટે દબાણ કરતા હોય છે. જેના કારણે ઘણીવાર નિષ્ફળ જવાની બીકે કોઈક વિદ્યાર્થી પગથીયા રૂપ પરીક્ષાને જ અંતિમ ગણી જીવન હારી જાય છે, ત્યારે નવસારી જિલ્લામાં બોર્ડ પરિક્ષા આપનારા ૨૮ હજાર વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય અને પરીક્ષાને ઉત્સવની જેમ માણે એવા ઉમદા હેતુથી મોટીવેશનલ સેમીનાર યોજવામાં આવ્યો હતો. સાથે જ વાલીઓ પણ વિદ્યાર્થીઓ પર દબાણ ન કરે એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પત્રો પણ મોકલવામાં આવ્યા હતા.
માર્ચ મહિનો આવતા જ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની વાતો શરૂ થાય છે અને શિક્ષણ વિભાગ પણ બોર્ડ પરિક્ષાની તૈયારીઓમાં જોતારાતો હોય છે. જોકે છેલ્લા થોડા વર્ષોમાં પરીક્ષા પૂર્વે, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા બાદ પરીક્ષાની તૈયારી ઓછી હોવાની કે માર્ક્સ ઓછા આવવાની બીકે વિદ્યાર્થીઓ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા સારથી હેલ્પલાઈન શરૂ કરી મનોચિકિત્સકો તેમજ વિષય નિષ્ણાત શિક્ષકોને વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન એક જ ફોન પર મળી રહે એવી વ્યવસ્થા કરે છે. જોકે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બાળકોને પરીક્ષાનાં હાવથી ન ડરી પરીક્ષાને ઉત્સવ તરીકે માણવાની અપીલ સાથે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ મળી કુલ ૨૮ હજાર વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે, એમના માટે મોટીવેશનલ સ્પીકરના સેમીનાર યોજવામાં આવ્યા છે. જેનો નવસારીની અગ્રવાલ સ્કૂલથી જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
જ્યાં નવસારીની અલગ અલગ શાળાનાં ૨૫૦૦ થી વધુ બાળકોને અરીહંત ફાઉન્ડેશનના સહયોગથી મોટીવેશનલ સ્પીકર દિનેશ સેવક દ્વારા અનેક ઉદાહરણો સાથે જીવન માણવા અને પરીક્ષાઓથી ડર્યા વગર સમયપાલન અને હિમ્મતથી આપવા માટેની ચાવી બતાવી પ્રોત્સાહિત કર્યા હતા.
જ્યારે ડીડીઓ ગર્ગે પણ તમારા મનનું સાંભળો અને આ પરીક્ષા જીવનની મહત્વની પરીક્ષાઓમાની એક છે, અંતિમ નહિ હોવાનું જણાવી દરેક પરીક્ષાર્થિઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને ઉત્સવની જેમ ઉજવવા શુભેચ્છા પત્ર પણ આપવામાં આવ્યા હતા. જયારે તેમના વાલીઓને પણ શાળાઓ મારફતે શુભેચ્છા પત્રો પાઠવવામાં આવશે.
અગ્રવાલ કોલેજમાં મોટીવેશનલ સેમીનાર બાદ વિદ્યાર્થીઓના ચહેરાઓ તરોતાજા લાગ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ પરીક્ષાના ડર સામે આજે સ્પીકર દિનેશ સેવક, જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી અને ડીડીઓ વિપિન ગર્ગ પાસેથી ઘણું જાણવાનું મળ્યું હોવાની વાત કરી હતી. સાથે જ આ પરીક્ષાને શરૂઆત માની જીવનની અન્ય પરીક્ષાઓ માટે પણ હિમ્મત અને આત્મવિશ્વાસ સાથે આપવાની તૈયારી દર્શાવી હતી.
બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓ કરતા તેમના વાલીઓમાં વધુ હાઉ હોય છે. સાથે જ પરીક્ષામાં સારા માર્ક્સ ન મળ્યા તો આગળ શું ભણશે એવી વાતો પણ થતી હોય છે. ત્યારે 21 મી સદીમાં વિદ્યાથીઓને મોટીવેટ કરી બોર્ડની પરીક્ષા અંતિમ નહિ પણ શરૂઆત હોવાની વાત સાથે જિલ્લા શિક્ષણ વિભાગે શરૂ કરેલા નવતર પ્રયોગને શિક્ષકો સહીત વાલીઓએ પણ સરાહ્યો હતો.