વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે યુનિવર્સીટીના ૪૭મા ખેલકૂદ મહોત્સવમાં ચેમ્પિયન થવા સાથે ચેમ્પિયનશીપની હેટ્રિક નોધાવી છે. આ મહોત્સવમાં વિજેતા રમતવીરોનો ભવ્ય સન્માન સમારંભ કૉલેજ ખાતે યોજાયો હતો.
કૉલેજના આચાર્ય ડૉ. વી. ડી. પટેલે ખેલાડીઓની અદ્વિતીય સિધ્ધિને બિરદાવી હતી. જીમખાના કોચ યોગેશ દેશમુખ તથા પ્રવીણ તુમડાએ એથ્લેટીક્સ મીટનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં યુનિવર્સીટીના ૪૭મા ખેલકૂદ મહોત્સવમાં ૧૩૮ કોલેજના ૧૨૯૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સીટીમાં એથ્લેટિકસની ભાઇ-બહેનોની ૧૮ ઇવેન્ટ થઇ હતી. જેમાંથી વનરાજ કૉલેજ ધરમપુરને ૧૧ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, ૨ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને ૩ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૬ મેડલ મળ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં ૭૨ પોઈન્ટ મળતા ચેમ્પિયનશીપ મળી હતી. કૉલેજના ખેલાડીઓએ યુનિવર્સીટીની ૬ ઇવેન્ટમાં રેકર્ડ બ્રેક કર્યા હતા. જેમાં ધરમપુર કૉલેજના સુનીલ કામડી, સચિન પઢેર, ધર્મેશ કોકણી, ધર્મેશ ગાંવિત અને ઉમેશ પવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હરીશ રાઉત, કલ્પેશ કોકણી, નરેશ તુંમડા, તેજલ કોકણી, સાધના ભડાગિયા, ભાવના માલધાર્યા, વૈશાલી ખાડમ, મંદા ચૌહાણ, સોનલ ચૌધરી, દિવ્યા માહતું, રોહતિ કોકણી, રોહીદાસ રાઉત, રાહુલ વસાવા સહિત દરેક ખેલાડીઓએ ટીમવર્કની ભાવના સાથે રમતોત્સવમાં ભાગ લીધો હોવાની માહિતી વર્ણવી હતી.
” વનરાજ કૉલેજ ધરમપુરને ૧૧ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, ૨ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને ૩ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૬ મેડલ મળ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં ૭૨ પોઈન્ટ મળતા ચેમ્પિયનશીપ મળી હતી. “
સમારોહમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ડૉક્ટર પંકજ ભુસારા, કૉલેજના પૂર્વ જી. એસ. પ્રભાકર યાદવ, પૂર્વ વિદ્યાર્થી સતીશ બારિયા ઉપસ્થિત ખાસ રહ્યા હતા. જી.એસ. સુનીલ, જીમખાનાના મંત્રી ઈશ્વર ગાંવિત કૉલેજના શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ખેલાડીઓનું પુષ્પથી અભિવાદન કર્યું હતું. આ સિધ્ધી માટે એમ. એસ. વી. એસ કેળવણી મંડળ, ધરમપુરના ટ્રસ્ટી મંડળ, કૉલેજ પરિવાર, વિદ્યાર્થી સંઘ તથા બામટી- રાનપાડા ગ્રામ પંચાયતએ અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે પણ ખેલાડીઓની સિધ્ધીમાં બહુમૂલ્ય આર્થિક યોગદાન આપ્યું હતું. સન્માન સમારંભનું સંચાલન જીમખાના સમિતિના અધ્યક્ષ ડૉ.કે.એમ.પટેલ કર્યું હતું.