નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજ શરૂ થવા પૂર્વે ડીપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ સંલગ્ન પીજી ઇન મેડીસીન શરૂ થવાની હિલચાલ શરૂ થઇ છે. જેને લઈને આજે ડીએનબી તરફથી ડો. એચ. એસ. અગ્રવાલે નવસારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું.
નવસારી સિવિલ હોસ્પિટલને નવું મકાન મળ્યા બાદ હોસ્પિટલમાં બે વર્ષ પૂર્વે કોલેજ ઓફ ફીશીશ્યન અને સર્જનના નેજા હેઠળ ઓર્થોપેડિક, પેડીયાટ્રીક અને ગાયનેકોલોજીસ્ટ વિષયમાં ડીપ્લોમાં કોર્ષ શરૂ કરવામાં આવ્યો હતો. જેનો પ્રથમ બેચ આ વર્ષે પૂર્ણ થશે અને કુલ 16 વિદ્યાર્થીઓ પોતાની ડીગ્રી સાથે આરોગ્ય જગતમાં પોતાના કરિયરની શરૂઆત કરશે. નવસારી સિવિલ હોસ્પિટલમાં સીપીએસ હેઠળ ચાલતા કોર્ષમાં ઓર્થોપેડિકમાં બે, પીડીયાટ્રીકમાં ૫ અને ગાયનેકોલોજીસ્ટમાં ૯ બેઠકો છે. જ્યારે હવે મેડીકલ ક્ષેત્રમાં મહત્વના એવા ડીએનબી સંલગ્ન પોસ્ટ ગ્રેજયુએશન ઇન મેડીસીન કોર્ષ શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં આજે ડીપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડના રોહતક કોલેજના સીનીયર પ્રાધ્યાપક ડો. એચ. એસ. અગ્રવાલે નવસારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. જેમાં કલીનીકલ ડેટા, એકેડમિક જરૂરીયાત અને હોસ્પિટલનું કામકાજ અને સુવિધાઓ વગેરેની તપાસ કરવામાં આવી હતી અને જેનો રીપોર્ટ ડો. અગ્રવાલ દિલ્હી સ્થિત ડીએનબીમાં આપશે. જેને આધારે બોર્ડનાં નિર્યણના આધારે હોસ્પિટલને પીજી કોર્ષ માટે બેઠક ફાળવાશે. હોસ્પિટલમાં હાલમાં કોર્ષને લગતા એક કાયમી પ્રોફેસર ડો. અશ્વિન પરમાર અને એક પાર્ટ ટાઈમ ડો. દેવાંગ વૈદ્ય આવે છે. જેથી જાણકારોના માટે નિરીક્ષણમાં હોસ્પીટલે બધી જરૂરીયાતો પૂરી કરવામાં સફળતા મેળવી તો લગભગ બે બેઠકો મળવાની શક્યતા છે. મેડીકલ જગતમાં ડીએનબીનો મેડીસીન વિભાગમાં પીજી કોર્ષની માન્યતા મળવી નવસારી માટે ગૌરવની વાત ગણાશે. ઉલ્લેખનિય છે કે, નવસારી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજની માન્યતા કેન્દ્ર સરકારે આપી છે અને જેને માટે રાજ્ય સરકાર દ્વારા ખંભલાવ ખાતે જમીન પણ ફાળવી હોવાની માહિતી મળી હતી.