અપરાધ

મહુવાના કાંકરિયાથી નકલી ક્રાઈમ બ્રાંચ પોલીસનો અધિકારી બની તોડ કરતો ઠગબાજ ઝડપાયો

Published

on

આરોપી તોડબાજ પાસેથી સુરતની સ્થાનિક ચેનલનો આઈડી મળ્યો

નવસારી : ચીખલી તાલુકાના બોર્ડરના ટાંકલ અને જોગવાડ ગામોમાં ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીની ઓળખ આપી માટી-રેતી ભરેલા વાહનોના ચાલકોને અટકાવી હજારોનો તોડ કરતા તોડબાજ ઠગને લોકોએ પકડી મહુવા પોલીસને સોંપ્યો હતો. મહુવા પોલીસે ૦ નંબરથી ગુનો નોંધી આરોપી તોડબાજને વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઓછી મેહનતે રાતોરાત અમીર બનવાના સપના સેવતા લોકો અવળા રસ્તે ચઢી જતા હોય છે. જેમાં પણ પોલીસ અને પત્રકાર હોવાનું નામ વટાવી મોટા મોટા તોડ કરવાનું કેટલાક ઠગબાજોને ફાવતું થઇ જાય છે. આવા જ એક નવસારીના મહાવીર સોસાયટીમાં રહેતા અને મૂળ બનાસકાંઠાના ઠગબાજ વાહજી મશરૂમ પટેલે (૩૨) પોતે ક્રાઈમ બ્રાંચ પોલીસમાં મોટો અધિકારી હોવાનો રોફ ઝાળી ચીખલી તાલુકાના ટાંકલ અને જોગવાડ ગામે બે દિવસથી રાત્રી દરમિયાન માટી કે રેતી ભરેલા વાહનોને અટકાવી રૂપિયા પડાવતો હતો. જેમાં જોગવાડના ખેડૂત દિલીપ પટેલના ટ્રેક્ટરમાં ચાલક માટી મિશ્રિત છાણીયું ખાતર લઇ ટાંકલ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો. ત્યારે વાહજીએ તેને અટકાવી પોતે ક્રાઈમ બ્રાંચ પોલીસનો અધિકારી હોવાની વાત કરી હતી. ચાલકે ખેડૂત દિલીપ પટેલને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં વાહજીએ ટ્રેક્ટર કબજે લેવાની વાત કરી, છોડાવવા જશે તો ૧૦ હજાર રૂપિયા થશેનું જણાવ્યું હતું. બાદમાં દિલીપે આજીજી કરતા તેણે પતાવટ કરવા ૩ હજારની માંગણી કરી, ખેડૂતો દિલીપ પાસેથી ત્રણ હજારનો તોડ કરી લીધો હતો. બીજા દિવસે પણ ચીખલીના આલીપોરની રેતી ભરેલી ટ્રકને અટકાવી ૨ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારબાદ સતત ત્રીજા દિવસે જોગવાડની નજીકના કાંકરિયા ગામે પણ નદી કિનારેથી નીકળતી રેતી ભરેલી ટ્રકોને અટકાવવા જતા લોકોને શંકા જતા તેની કડકાઈથી પૂછપરછ કરી હતી અને બાદમાં તેને મહુવા પોલીસને બોલાવી સોંપ્યો હતો. પોલીસની તપાસમાં આરોપી વાહજી કોઈ પોલીસ અધિકારી નહિ હોવાનું અને તેની પાસેથી સુરતની એક સ્થાનિક ચેનલનાં ક્રાઈમ રિપોર્ટરનો આઈ કાર્ડ મળી આવ્યો હતો. જયારે તોડની ઘટનાઓ ચીખલી પોલીસની હદમાં બની હોવાથી મહુવા પોલીસે ૦ નંબરથી ગુનો નોંધી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. જેથી પોલીસે નકલી ક્રાઈમ બ્રાંચનો અધિકારી બની તોડ કરતા વાહજી પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Click to comment

Trending

Exit mobile version