ગાયના સેવા સાથે તેના ગૌમૂત્ર અને છાણની મદદથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિકસાવાઈ
નવસારી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવા ખેડૂતોને આપી પ્રેરણા ભારતીય પરંપરા પ્રકૃતિ આધારિત રહી છે. આદિકાળથી ભારતીય સંસ્કૃતિમાં ગાયમાં ૩૪ કરોડ દેવતાઓનો વાસ હોવાની વાત સાથે તેને માતાની ઉપમાં આપવામાં આવી છે. ત્યારે રાસાયણિક ખાતરોને કારણે ઝેરી બનેલી જમીનમાં ખેતી પણ ઝેરી બની છે અને ખેતીના ઉત્પાદો પણ માનવ જીવન માટે હાનીકારક બની રહ્યાની વાતો ઉઠી છે. ત્યારે આપની સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિને સમજી ગાયની સેવા સાથે તેના ગૌમૂત્ર અને છાણની મદદથી જીવામૃત બનાવી તેનો ખેતીમાં ઉપયોગ કરવાની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો સમગ્ર રાજ્યના ખેડૂતો ઉપયોગ કરતા થાય એવું ભગીરથ અભિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આરંભ્યુ આજે નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
હરિયાણાના કુરુક્ષેત્રમાં પોતાની ૨૦૦ એકરની જમીનમાં પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીથી મળેલા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના ખેડૂતો સુધી પહોચાડવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ દેશી ગાય રાખી, ગૌમૂત્ર અને છાણની મદદથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિ રાજ્યનાં ખેડૂતોને શીખવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને સરકારે સ્વીકાર્યો અને ૬ મહિના ટુકા ગાળામાં રાજ્યના દરેક જિલ્લાઓમાં તેમજ રાજ્ય સ્તરે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના સેમિનારો યોજી સવા લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. સાથે જ સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી વિષેની ગુજરાતના ૨૨,૫૦૦ ખેડૂતોને તાલીમ આપી તેમને માસ્ટર ટ્રેનર બનાવ્યા છે અને હવે જિલ્લા અને તાલુકા કક્ષાએ ક્ન્વીનારો બનાવી રાજ્યનો દરેક ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતો થાય એવો પ્રયાસ હાથ ધર્યો છે. જેના બીજે ચરણમાં આજે નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના ૪ હજારથી વધુ ખેડૂતો અને માસ્ટર ટ્રેનરોની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના અધિક અગ્ર સચિવ પુનમચંદ પરમારની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ યોજ્યો હતો. રાજ્યપાલના હસ્તે જિલ્લા કન્વીનરો અને પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોને સન્માનિત કર્યા હતા.
નવસારી કૃષિ યુનીવર્સીટીમાં આજે રાજ્યપાલની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધ બનેલા ખેડૂતો અને માસ્ટર ટ્રેનરોએ પોતાના ખેતીના અનુભવો અને ઉત્પાદન સાથે આવકના અનુભવો વર્ણવ્યા હતા. જેમાં સુરત જિલ્લાના મહિલા ખેડૂત લતાબેન પટેલે તેમની આર્થિક સ્થિતિ અને કાંઠાની ક્ષારિય જમીન ઉપર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી કેવી રીતે સારૂ ઉત્પાદન મેળવવા સાથે, જ્યાં એક સમયે એક ગાય લેવાના રૂપિયા ન હતા, ત્યાં આજે ૪૦ ગાયો સાથે આર્થિક સધ્ધરતા મળેવી એની કહાની વણર્વી હતી. સાથે જ તેમના ગામ અને તાલુકા સહીત અન્યત્ર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું. લતાબેનની કહાનીથી રાજ્યપાલ ઘણા અભિભૂત થયા હતા અને પોતાના વ્યક્તવ્ય દરમિયાન ૪ વાર લતાબેનની વાત સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ પણ કરી હતી.