અપરાધ

અંકલેશ્વરથી સાપુતારા પ્રવાસે જઈ રહેલી અમૃતપુરા પ્રાથમિક શાળાની બસ પલટી

Published

on

બસમાં સવાર ૩૦ થી વધુ બાળકો ઘાયલ, ૫ લોકો ગંભીર

નવસારી : અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિધાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરીયા ગામના વળાંક પાસે બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ઘુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર ૩૦ થી વધુ બાળકોને ઈજા થવા પામી હતી. જેમને ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલા ૧૦ ને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા અને ત્યાંથી સુરત સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.

અંકલેશ્વરના અમૃતપુરા ગામની પ્રાથમિક શાળાના ધોરણ 4 થી 8 ના બાળકો ડાંગના સાપુતારા ખાતે ખાનગી ટ્રાવેલ્સની બસમાં આજે વહેલી સવારે પ્રવાસે નીકળ્યા હતા. દરમિયાન નવસારીના ચીખલી-વાંસદા માર્ગ પરથી પસાર થતા મળસ્કે ચીખલી તાલુકાના કુકેરી નજીક વળાંકમાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. વહેલી સવારે અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો જાગીને ઘર બહાર દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને જોતા બસ પલટી મારી ગઈ હતી અને બસની એક તરફ બસમાં સવાર બાળકો પર અન્યો બાળકો પડ્યા હોવાથી ચીસો અને બુમો મારી રહ્યા હતા. જેથી તાત્કાલિક ગ્રામજનોએ બાળકોને બહાર કાઢ્યા હતા, જેમાં ૫૪ બાળકોમાંથી ૩0 થી વધુ બાળકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી કંડકટર અને બાળકો મળી ૧૦ જણાને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાની સાથે જ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા. સાથે જ તેમણે ઘટનાની માહિતી મેળવી ઈજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. સાથે જ વહેલી તકે આ બાળકોને સારવાર આપવાની વ્યવસ્થા તેમજ નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ ડોકટરોની ટીમ તૈયાર કરાવી હતી. જયારે સામાજિક અગ્રણી અશોક ગજેરાએ પણ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગંભીરરીતે ઘવાયેલા લોકોને ખાનગી હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા ગોઠવી હતી. જયારે ઘટનાની જાણ થતા જ ચીખલી પોલીસ સહીત નવસારી ટાઉન પોલીસ તેમજ જિલ્લા નાયબ પોલીસવડા બીએસ મોરી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પણ બાળકોને સારવાર મળે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં અને તેમના પરિવારજનોને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી સમાગ્ર મુદ્દે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version