શાસનાધિકારીએ ઘટનાને ગંભીર ગણાવી શાળા સામે પગલા લેવાની કરી તીયારી
નવસારી શહેરની મિશ્ર શાળા નં. ૭ નાં ધાબા પર કપડા ધોતી વિદ્યાર્થીનીઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયારલ થતા શિક્ષણ જગત લાજવાયું હતું. શાળાએ વિદ્યાર્થીનીઓ જાતે જ ખુરશીઓની ગાદીના કવર ધોવા ગઈ હોવાનો હાસ્યાસ્પદ બચાવ કર્યો હતો. જોકે સમગ્ર મુદ્દે નવસારી શાસનાધિકારી દ્વારા શાળા સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.
નવસારી નગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને શહેરનાં આશાનગર વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી મિશ્રશાળા નંબર ૭ ( તબેલા સ્કૂલ ) નાં ધાબા પર ચાર વિદ્યાર્થીનીઓનો કપડા ધોતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની ખરાઈ પણ કરવામાં આવી છે. જેમાં શાળાના શિક્ષિકા દ્વારા શાળાની ખુરશીઓ પર મુકવામાં આવેલી ગાદીઓનાં કવર ધોવડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓ જાતે જ ખુરશીના કવરો ધોવા ધાબે પહોંચી હોવાની મુખ્ય શિક્ષિકાએ કેફિયત રજૂ કરી હતી. ઉલ્લેખનિય છે કે, સરકારી પ્રાથમિક શાળામાં શહેરના શ્રમિક વિસ્તારમાંથી આવતી ગરીબ અને મધ્યમ વર્ગની બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે. પરંતુ શિક્ષકો તેમની પાસે સર્વાંગીણ વિકાસના નામે સફાઈ સહીત અન્ય કામો પણ કરાવી લેતા હોય છે. ઘણીવાર શિક્ષકો શાળાના નહિ પણ પોતાના અંગત કામો કરાવાતા પણ ખચકાતા નથી હોતા. ત્યારે શહેરની સરકારી શાળામાં ઉજ્વળ ભવિષ્યને કંડારવા ગયેલી માસુમ બાળાઓ પાસે કપડા ધોવડાવતા શિક્ષકોની કાર્ય પ્રણાલી ઉપર સવાલો ઉભા થયા છે. અહીં સરકારનું સ્વપ્ન પણ રોળાઈ ગયું હોય એમ અભ્યાસ કરવાની ઉંમરે શાળાનું મજૂરી કામ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવામાં આવી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર વાત નગરપાલિકાના શાસનાધિકારી પાસે પહોંચતા તેમણે શાળાનાં આચાર્યની પૃચ્છા કરી શાળાને નોટીસ આપી ખુલાસો માંગવાની કાર્યવાહી આરંભી હતી.
ટેરેસ પર વિદ્યાર્થીનીઓ પાસે કપડા ધોવડાવતો વિડીયો મારા પણ ધ્યાને આવ્યો છે. આ ઘણી ગંભીર બાબત છે, શિક્ષકોને તો સફાઈ પણ બાળકો પાસે ન કરાવવાનું કીધું છે, કારણ એની પણ ગ્રાન્ટ સરકારમાથી આવે છે. શાળાના મુખ્ય શિક્ષિકા રીટાબેન પારેખને પૂછ્યું તો વિદ્યાર્થીનીઓ તેમની જાતે જ ખુરશીની ગાદીઓના કવરો ધોવા ધાબે ગઈ હોવાની માહિતી મળી છે. પરંતુ સાચું શું છે એ જાણવા તપાસ કરાવીશું અને શિક્ષિકાને નોટીસ આપીને ખુલાસો પણ માંગીશ.