ગુજરાત

સાડદવેલ ગામે આચાર્યની બદલીનો ગ્રામજનોનો વિરોધ, બંને શાળાઓને કરી તાળાબંધી

Published

on

વિધાર્થીઓને મંડપ પાડીને બેસાડ્યા, શિક્ષકોએ મંડપમાં જ બાળકોને ભણાવવું પડ્યુ

નવસારી : ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યોની એક સાથે જ બદલી કરી દેવાના વિરોધમાં ગ્રામજનોએ વિરોધનો સૂર છેડ્યો છે. ત્યારે આવેદન અને ધરણા પ્રદર્શન બાદ પણ તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે ગ્રામજનોએ બંને શાળાઓની બહાર રસ્તાની વચ્ચે મંડપ પાડી ધરણા સાથે જ શાળાને તાળાબંધી કરી હતી. શાળાએ આવેલા બાળકોને પણ મંડપમાં બેસાડી શિક્ષકોએ શૈક્ષણીક કાર્ય કરવું પડ્યું હતું.

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની મુખ્ય પ્રાથમિક શાળા અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વર્ગો કાર્યરત છે. જેમાં મુખ્ય પ્રાથમિક શાળામા ૧૭૦ અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં ૧૦૪ જેટલા આદિવાસી પરિવારના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે સાદડવેલ ગામની મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશ પટેલ અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય મહેશ પરમારની બદલી સીઆરસી તરીકે થતા શાળામાં શિક્ષકોની ઘટ થનાર છે. સાથે જ આ બંન્ને આચાર્યોએ શાળામા આદર્શ શિક્ષક તરીકે સેવા બજાવી હોય, જેથી સાદડવેલ ગામના લોકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને ગત ૫ ફેબ્રુઆરીના રોજ આવેદનપત્ર આપી બદલીને રદ્દ કરવાની માંગ કરી હતી. તેમ છતાં આ બંને આચાર્યોની બદલીનો ઓર્ડર રદ્દ ન કરાતા આજે શાળા શરૂ થતા પૂર્વે જ બંને શાળાઓની બહાર વાલીઓ અને ગામના આગેવાનોએ વિરોધ સાથે મુખ્ય માર્ગ ઉપર મંડપ બનાવ્યો હતો. જેમાં શાળાએ વાલીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રસ્તા રોકો આંદોલન સાથે જ બંને શાળાને તાળાબંધી કરી હતી. જયારે શાળામાં બાળકોને ન બેસાડી સામેના ખેતરમાં મંડપ પાડીને બેસાડ્યા હતા અને ત્યાં જ શાળાના શિક્ષકોએ બાળકોને શિક્ષણ કાર્ય કરાવ્યું હતુ. વાલીઓના વિરોધને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રામજનો અને વાલીઓ આચાર્યોની બદલી રદ્દ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. બીજી તરફ ઘટનાને પગલે ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version