પિયત મંડળીના આગેવાનોએ સિંચાઈ વિભાગને આપ્યું આવેદન
નવસારી : નવસારી જિલ્લામાં નહેરોમાં ૨૫ દિવસે રોટેશન આપવાનું આયોજન કરતા આજે નવસારી તાલુકાના ગામોની ચાલતી પિયત મંડળીઓ દ્વારા અંબિકા નહેર વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોટેશન વચ્ચેના દિવસો ઓછા કરવાની માંગણી કરી હતી.
નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં ચાલતી ખેડૂતોની ૭ પિયત મંડળીઓ દ્વારા રવિ સીઝનમાં ડાંગરની ખેતી ૯૦ દિવસની જ હોય છે, ત્યારે ડાંગરને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તો ઉત્પાદન સારૂ થાય અને ખેડૂતોને નુકશાન પણ ન થાય. હાલમાં ખેડૂતોએ લગભગ ૮૦ ટકા ખર્ચો કરી નાંખ્યો છે, ત્યારે ડાંગર માટે નહેરનું રોટેશન ૨૫ દિવસે આપવાનું આયોજન નહેર ખાતા દ્વારા કરવામાં આવ્યું છે. જેને ઘટાડીને બે રોટેશન વચ્ચે ૧૦ દિવસનું અંતર રાખવામાં આવે એવી માંગણી સાથે ખેડૂત આગેવાનોએ જિલ્લા નહેર ખાતાના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું અને નહેર વિભાગ રોટેશનના દિવસો વધારવાની માંગણી કરી હતી.