નવસારી : વલસાડથી નવસારીના ચીખલી તાલુકાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી કારના ચોરખાનામાંથી નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે ૩૧ હજારના વિદેશી દારૂ સાથે બે ખેપીયાઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, નવસારી એલસીબી પોલીસની ટીમ રવિવારે ચીખલી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સફેદ રંગની કારમાં દમણથી વિદેશી દારૂનો જત્થો વલસાડ થઇ, નવસારીના ચીખલી તાલુકાના પાણીખડક, રૂમલા થઇ પસાર થનાર છે. જેના આધારે પોલીસે ચીખલી તાલુકાના હરણ ગામથી દોણજા જતા રસ્તા પર લંબાત ફળિયા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. એજ સમયે બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાં દારૂ જણાયો ન હતો. પરંતુ પોલીસે કારમાં ચોર ખાના બનાવ્યા હોવાની શક્યતાને ધ્યાને રાખી તપાસ કરતા કારના ડેસ્ક બોર્ડ, કરના પાછળના બે દરવાજાઓ અને પાછળના બમ્પરમાં બનાવેલા ચોરખાનાઓમાંથી ૩૧ હજાર ૪૫૦ રૂપિયાનાં વિદેશી દારૂની બાટલીઓ ઝડપી પાડી હતી. પોલીસે ઘટના સ્થળેથી વલસાડ જિલ્લાના વાપીના વટાર ગામે તળાવ ફળિયામાં રહેતા અજયકુમાર જગનજી પટેલ (૪૨) અને વટાર ગામે ડુંગરી ફળિયામાં રહેતા અશ્વિન ઝીણાભાઈ પટેલ (૪૨) ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછરપછમાં જાણવા મળ્યુ કે દારૂનો જત્થો દમણમાં અલગ અલગ વાઇન શોપ્સમાંથી ભરાવ્યો હતો અને તેને વાંસદાનાં નાની ભમતી ગામે બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ ભમતી બાપુડભાઈ પટેલને આપવાના હતા, જેથી પોલીસે રાજુ ભમતીને વોન્ટેડ જાહેર કરી ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મુદ્દે ખેરગામ પોલીસે આગળની તપાસ આરંભી છે.