નવસારી : નવસારી શહેરના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા નવસારીમાં કોરોનાનો કુલ આંકડો ૩૯ પર પહોંચ્યો છે. જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૬ લોકોએ કોરોનાને હરાવ્યો છે.
નવસારીમાં એક પછી એક કોરોનાના કેસો વધી રહ્યા છે. ગત શુક્રવારે એકી સાથે ચાર કોરોના પોઝિટીવ કેસો આવ્યા બાદ, શનિવારે કોઈ કેસ નોંધાયો ન હતો. આજે રવિવારે સાંજે નવસારી શહેરના પાંચ હાટડી વિસ્તારમાં પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા ૩૪ વર્ષીય આકાશ ગાંધી સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સમાં નોકરી કરે છે. આકાશ રોજ સુરત આવન-જાવન કરતો હતો, જેને શનિવારે તાવ આવતા સ્થાનિક ડોક્ટર પાસેથી દવા લીધી હતી, પરંતુ કોરોનાના લક્ષાણો દેખાતા, આકાશને મોડી રાતે કોવીડ ૧૯ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાતા, આજે રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
આકાશ કોરોના પોઝિટીવ આવતા જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે યુવાનના પરિવાર સહિત તેની સાથે સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમના પણ ટેસ્ટ કરાવવાની તૈયારી આરંભી છે. સાથે જ યુવાનના ઘર તેમજ આસપાસના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક ૩૯ પર પહોંચ્યો છે. જેમાં એક વૃદ્ધાના મોત અને ૨૬ લોકોએ કોરોના સામેની જંગ જીતી લેતા તેમને રજા આપવામાં આવી છે.