નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
નવસારી : નવસારી જિલ્લામાં ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિ અને ત્યારબાદ પણ સતત પડી રહેલા કમોસમી માવઠાને કારણે જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ચોમાસામાં થયેલ ખેડૂતોને નુકશાન મુદ્દે ફક્ત જલાલપોર તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. જેથી જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, જેથી સરકાર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરી ખેડૂતો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ સાથે નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું.
કમોસમી માવઠાને કારણે જિલ્લાના શાકભાજી, બાગાયતી સહિત તમામ ખેડૂતોની કમ્મર તૂટી
છેલ્લા થોડા વર્ષોથી સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા બાદ પણ વરસી રહેલા કમોસમી માવઠા નવસારીના ખેડૂતો માટે આર્થિક નુકશાની ઉભી કરે છે. ત્યારે ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બની હતી. જેમાં જિલ્લાની લોકમાતાઓમાં પુરની સ્થિતિ સર્જાતા ખેતરોમાં પણ પાણી ભરાઈ રહેવાને કારણે ઘણા ખેડૂતોનો ઉભો પાક બગડ્યો હતો. અતીવૃષ્ટિને કારણે સરકારે નવસારીના ફક્ત જલાલપોર તાલુકાનો જ રાહત પેકેજ માટે સમાવેશ કર્યો હતો. જેથી કિસાન કોંગ્રેસ દ્વારા અગાઉ પણ બે વાર સરકારમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. બીજી તરફ હાલમાં પડી રહેલા કમોસમી માવઠાને કારણે પણ ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર ફરી વિચારણા કરે અને નવસારી જિલ્લાના તમામ તાલુકાઓને અતિવૃષ્ટિ હેઠળ સમાવી તેમજ કમોસમી માવઠાને કારણે થયેલી નુકશાનીને પણ ધ્યાને લઇ ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરે એવી માંગ, જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.