નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ચુંટણીને લઇ રાજકારણીઓની સાથે જ તેમના વિરોધીઓ પણ એક્ટીવ થતા હોય છે. ગણદેવીમાં આજે નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ હતુ, પણ તે પૂર્વે શહેરમાં અલગ-અલગ ૪ જગ્યાઓએ મોદીજીને સથવારો, ગણદેવીનું અહિત કરનારાઓને આપો જાકારો, લખેલ પોસ્ટરો લાગતા ભાજપીઓ દોડતા થયા હતા અને પોસ્ટરોને તાત્કાલિક ઉતરાવી લેવાયા હતા. જયારે પોસ્ટર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસનું કારસ્તાન ગણાવ્યુ હતુ.
ગણદેવી નગર પાલિકાની ચુંટણીના પડઘમ વાગતા જ ભાજપ અને કોંગ્રેસ એક્ટીવ થયા છે. ગણદેવી પાલિકાની ચુંટણીમાં વિપક્ષ પણ એટલો જ મહત્વનો રહે છે. જોકે ગત ટર્મમાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યુ હતુ. પરંતુ ગત પાંચ વર્ષોમાં પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા શહેર વિકાસ ચર્ચાઓમાં રહ્યો છે. ત્યારે ગુરૂવારે ગણદેવી પાલિકાના લાખોના ખર્ચે તૈયાર ફાયર સ્ટેશનના લોકાર્પણ પૂર્વ રાત્રીએ ગણદેવી નગરપાલિકા સામે, એસટી ડેપો પાસે, ટાંક ફળીયા જાહેર માર્ગ તેમજ સરદાર પટેલ ચોક પાસે અજાણ્યાઓએ ગણદેવીનું અહિત કરનારાઓને જાકારો આપવાની વાત સાથે પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરમાં “મોદીજીને છે આપણો સથવારો, પણ ગણદેવીનું અહિત કરનારાઓને આપીશું જાકારો, બસ હવે તો ગુણવત્તાવાળો જ વિકાસ” લખવામાં આવ્યુ હતુ. જે પોસ્ટરો ગુરૂવારે સવારે જ લોકોની નજરે ચડતા જ ચર્ચામાં આવ્યા હતા. પક્ષમાંથી જ કોઇકે પોતાનો અસંતોષ જાહેર કર્યો હોવા સાથે જ શહેર વિકાસના કામોની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હોવાની વાતો પણ વહેતી થઇ હતી. જોકે પોસ્ટરોની જાણ ભાજપી આગેવાનોને થતા દોડતા થયા હતા અને પોસ્ટરોને ઉતરાવી લેવાયા હતા. પરંતુ એ પૂર્વે તો પોસ્ટરોના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ચુક્યા હતા.
વોર્ડ બેઠકમાં ઉમેદવારોની પસંદગી વોર્ડમાંથી જ કરવાની ભાજપીઓની રજૂઆત
ઉલ્લેખનિય છે કે, ભાજપ દ્વારા પાલિકાની ચુંટણીને લઇને ચુંટણી પ્રભારીઓ અને આગેવાનો સાથે પાલિકાના તમામ વોર્ડમાં બેઠકો કરી છે. જેમાં પણ ભાજપી કાર્યકરોએ આગેવાનો સામે રોષ ઠાલવ્યો હતો. સાથે જ જે તે વોર્ડમાંથી જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે એવી રજૂઆત પણ કરી હતી, ત્યારે આજની પોસ્ટર વોર ભાજપ સામે ભાજપની જ લડાઇ હોવાની ચર્ચા રહી હતી. જયારે ભાજપીઓએ પોસ્ટરો લગાવનારા શંકાસ્પદને પણ ખખડાવીને ધમકાવ્યો હોવાની વાતો પણ ઉઠી હતી. ત્યારે ભાજપીઓ જ ભાજપ સામે પાછલા બારણે બાયો ચઢાવી રહ્યા હોવાનું જણાયુ હતુ.
કાર્યકરોમાં મતભેદ હોય તો પણ વિરોધના પોસ્ટર નહી લગાવે, કોંગ્રેસનું કૃત્ય – ભાજપ પ્રમુખ
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે સમગ્ર મુદ્દે જણાવ્યું કે, અમે પોસ્ટર પ્રકરણમાં તપાસ કરાવી છે, જેમાં કોઈક કોંગ્રેસીએ પોસ્ટર લગાવ્યા હતા, અમારા પક્ષના સનિષ્ઠ કાર્યકરો મતભેદ હોય તો પણ વિરોધના પોસ્ટર નહી લગાવે. જયારે વોર્ડમાંથી જ ઉમેદવારો મુદ્દે જે તે વોર્ડમાંથી જ સક્ષમ અને સારા ઉમેદવાર શોધીને સર્વ સંમતિથી ટીકીટ અપાશેની ખાત્રી આપી હતી.