ફડવેલ ગામે અક્ષર ફર્ટીલાઇઝરે ખેડૂતોના નામે બોગસ બીલો બનાવી, લાખોનું ખાતર બરોબર વેચી માર્યુ
નવસારી : ભારત સરકાર જ્યાં ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકીને સરકારી તંત્રને કામે લગાડ્યુ છે, પરંતુ સરકારના પ્રયાસોને સરકારે દ્વારા નીમેલી એજન્સી કે ખાતર વિક્રેતા પુરા થતા અટકાવી રહ્યા હોય એવી ઘટના નવસારીમાં સામે આવી છે. જેમાં ચીખલીના ફડવેલમાં ચલાતા અક્ષર ફર્ટીલાયઝરના સચાલાકે ખાતરને ખેડૂતોની જગ્યાએ બારોબાર વેચી મારી બોગસ બીલો બનાવીને લાખોની છેતરપીંડી કરી હતી. સમગ્ર પ્રકરણ સામે આવતા ખેતીવાડી અધિકારીએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, સંચાલકને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
બોગસ બીલ બનાવી લાખોનું ખાતર વેચી માર્યુ, સંચાલકની ધરપકડ
નવસારી જિલ્લામાં ખેડૂતોને સહેલાઇથી ખાતર મળી રહે એ હેતુથી સરકાર દ્વારા ખાતર વેચાણના લાયસન્સ આપી ડેપો શરૂ કર્યા છે. પરંતુ ખાતરના ડેપોના સંચાલકો દ્વારા ખાતર ખરા ખેડૂતોને આપવાને બદલે તેને બારોબાર બેચી મારવામાં આવતા હોય એવી ચર્ચાઓ પણ રહી છે. ત્યારે ચીખલી તાલુકાના ફડવેલ ગામે આવેલા અક્ષર ફર્ટીલાઈઝરના સંચાલકે જરૂરીયાતમંદ ખેડૂતોને સબસીડી યુક્ત ખાતર ન આપીને લાખો ગજવે કર્યા હતા. વાત એમ છે કે, અક્ષર ફર્ટીલાઈઝર દ્વારા અલગ-અલગ કંપનીઓમાંથી 5.42 લાખ રૂપિયાનું 2040 ગુણી ખાતર ખરીદયુ હતુ અને 178 બીલ બનાવી વેચાવામાં આવ્યુ હતુ. તાલુકા ખેતીવાડી અધિકારીએ ખાતર વેચાણ મુદ્દે આકસ્મિક તપાસ કરી, તો તેમની આંખ પહોળી થઇ હતી. કારણ જે ખેડૂતના નામે બીલ હતુ, એણે ખાતર ખરીદયુ જ ન હતુ. જેથી 178 બીલોની તપાસ આરંભી હતી અને 67 બીલોની તપાસમાંથી ફક્ત 5 ખેડૂતોએ જ ખાતર ખરીદયુ હતુ. જયારે ૬૫ બીલો બોગસ નીકળ્યા હતા. જેનો રીપોર્ટ જિલ્લા ખેતીવાડી અધિકારી અને કલેકટરને કરતા, અક્ષર ફર્ટીલાઈઝરના સંચાલક અશ્વિન પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરતા ચીખલી પોલીસ મથકે લાખોની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે સંચાલક અશ્વિનની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે, જયારે ખેતીવાડી અધિકારીએ પણ, બાકીના 111 બીલોની તપાસ પણ આગળ વધારી છે.
ચીખલી તાલુકામાં ખેડૂતો માટે 55 ખાતર ડેપો
ચીખલી તાલુકાનાં ખેડૂતોને સહેલાઇથી ખાતર મળી રહે એ હેતૂથી ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકામાં લાયસન્સ આપી 55 ખાતર ડેપો ઉભા કરવામાં આવ્યા છે, અહીંથી ખેડૂતો સબસીડીયુક્ત ખાતર ખરીદી શકે એવી વ્યવસ્થા બનાવામાં આવી છે. જેમાં ખાતર ફરજીયાત પણે પીઓએસ મશીનથી જ ખાતર વેચવાનું હોય છે. જેથી ખાતર વેચાણની યાદી ખેતીવાડી વિભાગ પાસે પણ પહોંચે છે, જેનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અને તાલુકા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરી, ગેરરીતી અટકાવવાનો પણ પ્રયાસ થતો હોય છે, જેમાં ચીખલીનું ખાતરના બોગસ બીલોનું કૌભાંડ સામે આવ્યુ છે.
દિલ્હી બોર્ડર પર ખેડૂતોની હક્કની લડાઇ, નવસારીમાં ખેડૂતોના હક્ક પર તરાપ
એક તરફ હક્કની લડાઇ લડવા દેશના ખેડૂતો દિલ્હીમાં કૃષિ કાયદાને નાબુદ કરવા આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના હક્ક પર તરાપ મારનારા વચેટિયાઓ ખેડૂતોને ટોપી પહેરાવી રૂપિયા છાપી રહ્યા છે, જેથી સરકારે પણ પોતાની વિતર ણ વ્યવસ્થાને કોરી ખાતા આવા ઠગબાજોની શાન ઠેકાણે લાવવી રહી.