ચીખલીના આધેડ અને ગણદેવીની મહિલા થયા કોરોના સંક્રમિત
નવસારી : નવસારી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે વધુ બે લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે જ ડિસેમ્બરના પ્રથમ ચાર દિવસોમાં જ જિલ્લામાં કુલ ૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. જોકે આજે એકી સાથે ૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
જિલ્લામાં ૧૨ કોરોના એક્ટીવ દર્દીઓ થયા
કોરોનાએ ભારતમાં એન્ટ્રી કર્યા બાદ એપ્રિલ ૨૦૨૦ માં નવસારીમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ એક વર્ષ બાદ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. બે મહિના કોરોના પીક પર રહ્યા બાદ ધીરે ધીરે ઘટ્યો અને સપ્ટેમ્બરમાં નવસારી કોરોના મુક્તિ તરફ આગળ વધ્યો હતો. પરંતુ ફરી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જે નવસારીજનો માટે ચિંતાનો વિષય છે. નવેમ્બર બાદ હવે ડિસેમ્બરમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ડિસેમ્બરના ૪ દિવસોમાં જ જિલ્લામાં કુલ ૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં આજે ચીખલીના ૫૩ વર્ષીય આધેડ અને ગણદેવીની ૪૬ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. જોકે એની સામે આજે એકી સાથે ૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટીવ કોરોના દર્દીઓની સંખ્યા ૧૨ થઇ છે.
સતર્ક ન થયા, તો કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહો
નવસારી જિલ્લામાં ધીમે પગલે ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પણ ઓમીક્રોન વેરીયંટનો ખતરો ટોળાઇ રહ્યો છે. સર્વે પણ આવતા વર્ષના પ્રારંભે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના સેવી રહ્યા છે. ત્યારે નવસારીને ફરી કોરોનાના કહેરથી બચાવવા નવસારીવાસીઓની સતર્કતા જ મહત્વની સાબિત થઇ શકશે. ગત બીજી લહેરમાં નવસારીએ ઓક્સીજનની અછત જોઇ હતી, સાથે જ સ્મશાનમાં પણ એક ધારી ચિતા સળગતી રહી હતી. જેથી કોરોનાને રોકવા વેક્સીનના ૨ ડોઝ પૂર્ણ થાય અને લોકો સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સાથે મોઢે માસ્ક અને સતત હાથ સેનેટાઈઝ કરતા રહે તોજ કોરોનાને આગળ વધતો અટકાવી શકાશે.