અંડર 13 કોમ્પીટીશનમાં સિંગલ અને ડબલ્સના ખેલાડીઓને પુરસ્કારથી કરાયા સન્માનિત
નવસારી : ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસીએશન દ્વારા અંડર 13 ખેલાડીઓ માટે આયોજિત ૫ દિવસીય બેડમિન્ટન કોમ્પીટીશન આજે પૂર્ણ થતા સિંગલ્સ અને ડબલ્સના વિજેતા ખેલાડીઓને નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસીએશન દ્વારા નવસારી જિલ્લા બેડમિન્ટન એસોસીએશન અને નવસારી-વિજલપોર નગરપાલિકાના સંયુક્ત સહયોગથી નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રાજ્ય કક્ષાની અંડર 13 બેડમિન્ટન કોમ્પીટીશન ગત ૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. ૫ દિવસીય આ કોમ્પીટીશનમાં ગુજરાતના ૧૯ જિલ્લાઓમાંથી આવેલા ૧૫૦ બાળ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. જેમાં સ્પર્ધાને અંતે ભાઈઓની સિંગલ્સમાં મહેસાણાના રૂદ્ર ચૌહાણ અમદાવાદના પાર્થ પરી સામે વિજેતા જાહેર થયા હતા. જયારે બહેનોની સિંગલ્સમાં વલસાડની આયાતી દુબેએ મહેસાણાની નિત્યા કોટાઇને પછાડી જીત મેળવી હતી. જયારે ભાઈઓની ડબલ્સમાં ગાંધીનગરના ઝીઓન રોડ્રિકસ અને વેદાંત બાગલેએ મહેસાણાના રૂદ્ર ચૌહાણ અને હાર્દિક બંસલને માત આપી જીત મેળવી હતી. જયારે બહેનોની ડબલ્સમાં વલસાડની આયાતી દુબે અને મહેસાણાની નિત્યા કોટાઇએ ગાંધીનગરની અનુષા પાંડે અને વડોદરાની સ્વરાં રાયાગાંધીને હરાવી જીત પોતાને નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, સ્પર્ધાના ચીફ રેફરી તરીકે વિનોદ શાહ, અમ્પાયર તરીકે દક્ષાબેન અને પ્રીતિબેને સેવા આપી હતી.
વિજેતા અને રનર્સઅપ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા
રાજ્ય કક્ષાની અંડર 13 બેડમિન્ટન કોમ્પીટીશનના અંતિમ દિવસે નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇ, નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ, ગુજરાત બેડમિન્ટન એસો. ના પ્રમુખ એસ. એ. રાવલ સહિત પાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને હાથે બેડમિન્ટન કોમ્પીટીશનના વિજેતા ખેલાડીઓ અને રનર્સઅપ ખેલાડીઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેઓ આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર સ્પર્ધાને સફળતા અપાવવામાં નવસારી બેડમિન્ટન એસો. ના ડૉ. મયુર પટેલ, સ્પોર્ટ્સ કોપ્લેક્ષ ઇન્ચાર્જ ઇલ્યાસ શેખે મહેનત કરી હતી.