નવસારી : સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરીને કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે અનુરોધ કર્યો હતો. સાથે જ સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એના ઉપર ભાર આપી, કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે તેમ જણાવી કુંકણા જ્ઞાતિપંચના આગેવાનોને સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતુ.
નવસારી કાલિયાવાડી ખાતે કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો ૨૩ મી વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મળી હતી. સભામાં સમાજને સંબોધિત કરતા રાજયપાલ મંગુભાઇ પટેલે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સાથે જ રાજ્યપાલ મંગુભાઈએ શિક્ષણ પર વિશેષ ભાર આપી, સમાજની પ્રગતિની પારાશીશી શિક્ષણ હોવાનું જણાવ્યુ હતુ.
વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના પ્રમુખ રમેશભાઇ દેશમુખ, સુરત કુંકણા સમાજના પ્રમુખ બિપિનભાઇ તેમજ સમસ્ત જ્ઞાતિપંચના પ્રમુખ નાનુભાઇ પટેલે કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપવું, સમાજને સંગઠિત કરવા જેવા સમાજોપયોગી વાતો કરી હતી. સાથે જ વાર્ષિક સભામાં જુ.કેજીથી ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને રાજયપાલ તથા મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં બાળકોએ બેટી બચાવો- બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.