અપરાધ

રિક્ષામાં બેસતા જ આ ટોળકી હાથની સફાઈથી હજારો ઉડાવી લેતી, નવસારી પોલીસે દબોચી

Published

on

નવસારીના વૃદ્ધના 20 હજાર સેરવી લીધા હતા

નવસારી : સુરતથી આવતી આ રિક્ષામાં તમે બેઠા કે ગઠિયાઓ હાથની સફાઈથી તમારા ખિસ્સામાં મૂકેલા હજારો રૂપિયા, ફોન કે અન્ય કિંમતી સમાન ઉડાવી લેતા હતા. જેમને ટેકનિકલ સર્વેલાન્સ અને બાતમીને આધારે નવસારી ટાઉન પોલીસે કાલિયાવડીથી દબોચી, જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

નવસારીના તીઘરા નજીક રહેતા 75 વર્ષીય રાજેન્દ્ર નાયક ગત 1 જૂન, 2023 ના રોજ નવસારીના લુન્સીકૂઈ ખાતે ATM માંથી 20 હજાર રૂપિયા ઉપાડવા ગયા હતા. રૂપિયા લઈ પરત ફરતા રાજેન્દ્ર નાયકે સુરત પાસિંગની રિક્ષા કરી અને બે અજાણ્યા ઈસમો સાથે તેઓ પણ બેઠા હતા. દરમિયાન લુન્સીકૂઈથી પારસી હોસ્પિટલ સુધીની 2 થી 5 મિનીટમાં તો ગઠિયાઓએ રાજેન્દ્રના ખિસ્સામાંથી 20 હજાર સેરવી લીધા હતા. બાદમાં પારસી હોસ્પિટલ સામેના રસ્તે જવાનુ હોવાનું કહી, રાજેન્દ્રને ભાડુ લીધા વિના જ અધવચ્ચે ઉતારી દીધા હતા. રાજેન્દ્ર જ્યારે ઘરે પહોંચ્યા, ત્યારે ગજવામાં હાથ નાંખતા જ તેમના હોશ ઉડ્યા હતા, કારણ 20 હજાર રૂપિયા ગાયબ હતા. જેથી રાજેન્દ્રએ શંકા દાખવી નવસારી ટાઉન પોલીસ મથકે રિક્ષામાં બેઠેલા અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ આપતા હરકતમાં આવેલી પોલીસે શહેરમાં નેત્રમ્ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં વૃદ્ધે કરેલા વર્ણન મુજબની રિક્ષા દેખાતા, તેનો નંબર મેળવી બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. જેમાં ને દિવસ અગાઉ રિક્ષા ચીખલીમાં હોવાનું જણાયું હતું. દરમિયાન આજે ગઠિયાઓ રિક્ષા સાથે નવસારીમાં કાલિયાવાડી વિસ્તારમાં ફરતા હોવાની બાતમી મળતા જ ટાઉન પોલીસની ટીમે રિક્ષા સહિત ચાર બદમાશોને દબોચી લીધા હતા. જેમાં સવાર સુરતના ભેસ્તાન આવાસમાં રહેતા 24 વર્ષીય અઝહરઅલી સૈયદ, 35 વર્ષીય સફી ઉર્ફે કેરોસીન શેખ, 35 વર્ષીય રહેમુદ્દીન શેખ અને 60 વર્ષીય અલાઉદ્દીન શેખની ધરપકડ કરી પૂછપરછ કરતા ચારેયએ રાજેન્દ્ર નાયકના 20 હજાર રૂપિયાની તફડંચી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી, ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત રોકડ અને અન્ય સામાન મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

ટાઉન પોલસીને હાથે ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો હોવાનું ખુલ્યું છે. કારણ તેમની સામે સુરતના વિભિન્ન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આરોપી ટોળકી ATM નજીકના વિસ્તારમાં રિક્ષા લઈ બેસી રહેતા હતા. જેમાં ATM માંથી રૂપિયા ઉપાડી રિક્ષાની શોધમાં રહેતા લોકોને ટાર્ગેટ બનાવતા હતા. સાથે જ હાથની સફાઈ કર્યા બાદ ભોગબનનારને ભાડુ લીધા વિના જ અધવચ્ચે ઉતારીને ફરાર થતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version