પોલીસે 31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે. જેમાં પોલીસથી બચવા ખેપિયાઓ અનેક તરકીબ અજમાવતા હોય છે, ત્યારે આજે પ્લાસ્ટિકના દાણાની આડમાં 5.88 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ચીખલી પોલીસે બેની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
નવસારી જિલ્લાની નજીક જ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સાશિત પ્રદેશો દમણ અને સેલવાસ પણ પડે છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રોજના લાખોની વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવાના પ્રયાસો થાય છે, પરંતુ બૂટલેગરો અને ખેપિયાઓ અનેક તરકીબ અજમાવી દારૂનું વહન કરતા હોય છે. જેમાં આજે ચીખલી પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જનાર છે. જેને આધારે પોલીસે નેશનલ હાઇવે નં. 48 પર સમરોલી ગામ પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી કોથળીઓ જણાઇ હતી. જેથી શરૂઆતમાં પોલીસ વિચારમાં પડી હતી, પરંતુ પ્લાસ્ટિકના દાણાની કોથળીઓ ઉંચકી અંદરની તરફ નીચેથી જોતા વિદેશી દારૂના બોક્ષ જણાયા હતા. જેથી પોલીસે બોક્ષ બહાર કાઢી જોતા 5.88 લાખ રૂપિયાની વિસ્કી બિયરની કુલ 1156 બોટલો અને ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે ભાવનગર ખાતે રહેતા ટ્રક ચાલક વિક્રમસિંહ ચૌહાણ અને ક્લીનર મહેશ મકવાણાની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી બુટલેગર સાગરે ભરાવી આપ્યો હતો. જ્યારે ભાવનગરના વરતેજ ખાતે રહેતા બુટલેગર યોગેન્દ્રસિંહ ગોહિલ અને મિલેટ્રી સોસાયટી ખાતે રહેતા બુટલેગર કિરપાલસિંહ ગોહિલે મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 7 લાખ રૂપિયાની ટ્રક, 10 હજારના બે મોબાઈલ ફોન અને 18.07 લાખના પ્લાસ્ટિકના દાણા મળી કુલ 31.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.