નવસારી : ચોમાસાની શરૂઆત પૂર્વે જ અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે દરિયામાં ઉઠેલી આફત ગુજરાતના કાંઠે અથડાય એવી સંભાવના વધી છે. જેને લઇને નવસારી જિલ્લા તંત્ર સતર્ક થયુ છે અને ઉચ્ચ અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા સાથે જ માછીમારોને પણ થોડા દિવસો સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન બાદ બિપરજોય વાવાઝોડું સક્રિય થયું છે. જે પાકિસ્તાન અને ભારતમાં ગુજરાતના દરિયા કાંઠે ટકરાય એવી સંભાવના સેવાઈ રહી છે. અગાસી 9, 10 અને 11 જૂન દરમિયાન વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પણ થઈ શકે છે. ત્યારે વાવઝોડાની આગાહીને પગલે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કાંઠે વસતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાના ગણદેવી અને જલાલપોર તાલુકામાં વર્ગ 1 ના અધિકારીઓને લાયઝનિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરી હેડ કવાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જિલ્લાના માછીમારોને હાલમાં દરિયો ખેડવા ન જવા તેમજ દરિયામાં ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી છે. સાથે જ સ્થળાંતર કરાવવાની જરૂર પડે તો આશ્રય સ્થાનો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. ત્યારે નવસારી જિલ્લા તંત્ર વાવાઝોડાની સ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થયુ છે. બીજી તરફ આજે સવારે નવસારી ઉભરાટ કિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો ન હતો. સાથે જ પવનની ગતિ પણ એટલી ન હતી, જોકે સહેલાણીઓએ દરિયા કિનારે ઠંડક મેળવી ગરમીથી રાહત મેળવી હતી.