નવસારી : દુનિયા જોવી હોય તો માનવ શરીરમાં આંખ અગત્યનું અંગ છે. જો આંખ ન હોય તો રંગબેરંગી દુનિયા અંધકાર જ ભાસે છે. ત્યારે જેનું જીવન અંધારપટ હોય, એના જીવનમાં રંગો ભરવા માણસ આંખનું દાન કરે એ જરૂરી છે. પરંતુ સમાજમાં હજી પણ જાગરૂકતાનો અભાવ જોવા મળે છે, જેથી આજે વિશ્વ ચક્ષુદાન દિવસે સમાજ ચક્ષુદાનની મહત્વતા સમજી ચક્ષુદાન તરફ પ્રેરાય એ જરૂરી છે. નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટના સંચાલિત સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા 47 વર્ષોમાં 33 હજારથી વધુ આંખ મેળવી, 8127 લોકોને રંગ ભરેલી દુનિયા બતાવવામાં સફળતા મેળવી છે.
નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટની ચક્ષુ બેન્કે આ વર્ષે 260 આંખ મેળવી જેમાંથી 28 આંખ થઈ ટ્રાન્સપ્લાન્ટ
આંખો વિના દુનિયા જોવી કલ્પી શકાય પણ નહીં, ત્યારે દુનિયામાં 1.80 કરોડ લોકોમાંથી 60 લાખ લોકો સંપૂર્ણ અંધતા ધરાવે છે, જ્યારે 1.20 કરોડ લોકોને જો યોગ્ય સારવાર સાથે કોઈની આંખ મળે તો એઓ રંગબેરંગી દુનિયા જોઈ શકે છે. 10 જૂનને વિશ્વ ચક્ષુદાન દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચક્ષુદાન અંગે આજે પણ સમાજમાં જાગરૂકતાનો અભાવ જોવા મળે છે. સ્વજનના મૃત્યુ બાદ શરીરમાં સાડા છ કલાક સુધી આંખ જીવીત રહે છે, જેથી સમય રહેતા આંખોનું દાન કરવામાં આવે, તો બે અંધ વ્યક્તિને આંખ મળતા તેમનું જીવન રંગોથી ભરાઈ શકે છે. ભારતમાં 435 ચક્ષુ બેંક છે અને ગુજરાતમાં 173 ચક્ષુ બેંક કાર્યરત છે. જેમાં દેશ – વિદેશમાં નામના ધરાવતી અને વર્ષના 365 દિવસોમાં 400 થી વધુ આંખની શિબિર યોજનારી નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સંલગ્ન 1977 માં સ્થાપિત સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા 47 વર્ષોમાં 33,350 આંખોનું દાન મેળવ્યુ છે. દાનમાં મળેલી આંખ બધી રીતે યોગ્ય હોય, તો એને જરૂરિયાતમંદ અંધ અથવા ખોડખાંપણ ધરાવતી આંખને બદલી શકાય છે. રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા સુધીમાં 8,127 લોકોને સફળતા પૂર્વક ઓપરેશન કરી, નવી દ્રષ્ટિ બક્ષવામાં આવી છે. આ વર્ષે છ મહિનામાં 260 આંખો મેળવી, જેમાંથી 28 આંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે બાકીની દાનમાં મળેલી આંખ સંશોધનમાં ઉપયોગમાં લેવામાં આવી હતી.
એક સમયે ગુજરાતની પ્રથમ અને ભારતની બીજા નંબરની નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આંખની સારવાર માટે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. સાથે જ રાહત દરે આંખની તપાસ કરી, મોતિયા બિંદ સહિતના આંખને લગતા 12500 ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે જ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જરૂરિયાતમંદને 56 લાખ રૂપિયાની રાહત આપવામાં આવી છે. સંસ્થા દ્વારા આંખની 70 ટકા સારવાર મફતમાં કરવામાં આવે છે, ત્યારે ચક્ષુદાન માટે એક ડોકટર, એક નર્સ, ડ્રાઈવર સાથે વાહન મળી 24 કલાક 4 ટીમ સ્ટેન્ડ બાય રહે છે. જ્યારે પણ ચક્ષુદાનનો કોલ આવે, એટલે ટીમ તરત આંખ સ્વિકારવા પહોંચે છે. એક આંખને સાચવવા 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી લોકોને આંખ આપી જીવનના રંગો બતાવવાનું ભગીરથ કાર્ય સરળતાથી પાર પાડવામાં આવે છે.
આજે પણ ચક્ષુદાન માટે સમાજમાં જાગરૂકતા અભિયાન જરૂરી
વિજ્ઞાને આજે એટલી હરણફાળ ભરી છે કે માનવ અંગોને બીજાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. ત્યારે માનવ શરીર મૃત્યુ પામે ત્યારબાદ એક આંખ જ સાડા છ કલાક સુધી જીવીત રહે છે. ત્યારે ચક્ષુદાન માટે વર્ષોથી લોકોને જાગૃત કરવામાં આવે છે, લોકોમાં જાગૃતિ આવી પણ ખરી, પરંતુ આજે પણ સમાજના ઘણા વર્ગોમાં શરીરમાંથી આંખ કાઢી નાંખવા મુદ્દે જાગરૂકતા નથી. જેના કારણે સમયે અને પૂરતી સંખ્યામાં ચક્ષુદાન મળતુ નથી. જેથી ચક્ષુદાન પ્રત્યે લોકો જાગરૂક બને તો લાખોના જીવનમાં રંગો ફેલાઈ શકે છે.
નવસારી : પોતાના જન્મ સ્થાનમાં જ સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ આજે ભગવાન શ્રી રામલલ્લાની ભાવ્યતિભવ્ય મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય યજમાન પદે પ્રાણ પ્રતિસ્થા થઇ છે, ત્યારે દૂધમાં સાંકરની જેમ વસેલા પારસીઓએ પણ ઇતિહાસમાં પ્રથમવાર તેમના ધર્મસ્થળ આતશ બેહરામમાં આજે ભવ્ય જશ્ન (યજ્ઞ) કરી, પવિત્ર અગ્નિને માચી (સુખડના લાકડા) ચઢાવવાની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પારસીઓએ ઈતિહાસમાં પ્રથમવાર અન્ય ધર્મનો ઉત્સવ, પોતાના તીર્થસ્થાનમાં ઉજવ્યો
રઘુકુલ નંદન ભગવાન શ્રી રામચંદ્રજીના બાળ સ્વરૂપનુ આજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ છે. ત્યારે ભગવાનના નિજ મંદિરમાં આવવાની ખુશીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે. જેમાં ભારતમાં દૂધમાં સાંકળની જેમ વસેલા પારસીઓએ પણ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાએ વિશ્વભરના પારસીઓ માટે બીજા મહત્વના તીર્થ સમાન આતશ બહેરામમાં પવિત્ર આતશ પાતશાહ સમક્ષ પ્રાર્થના કરી, જશ્ન એટલે કે યજ્ઞ કર્યો હતો. સાથે જ પારસીઓએ પવિત્ર અગ્નિમાં માચી (સુખડના લાકડા) ચઢાવી આહૂતિ આપી હતી. સાથે જ તેમણે સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ પણ અદા કર્યુ હતું.
રાજાને આપેલી શરતોનું આજે પણ ચુસ્તતાથી પાલન કરે છે પારસીઓ
ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા, ત્યારે જાદે રાણાએ તેમને 5 શરતોએ રાજ્યાશ્રય આપ્યો હતો. જેમાં એક તેઓ ધર્માંતરણ નહી કરે કે કરાવે, રાજ્યને સમર્પિત અને વફાદાર રહેશે અને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે અપનાવશે… ની શરત મુખ્ય હતી. ત્યારથી પારસીઓ આ મુખ્ય શરતોનું આજે પણ પાલન કરતા આવ્યા છે. ત્યારે આજે પણ પારસીઓની ઘણી ધાર્મિક વિધિ અને રીવાજો સનાતન ધર્મ જેવા જ રહ્યા છે. જેથી પારસીઓએ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જશ્ન અને માચી અર્પણની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પારસીઓએ ધાર્મિક પરંપરા તોડીને પ્રભુ શ્રી રામલલ્લા માટે જશ્ન (યજ્ઞ) કર્યુ
ધર્મચુસ્ત રહેલા પારસીઓ અન્ય ધર્મના લોકોને પોતાના ધાર્મિક સ્થળોએ પ્રવેશ પણ આપતા નથી. પરંતુ સેંકડો વર્ષો બાદ જ્યારે સનાતનીઓના આરાધ્ય ભગવાન શ્રી રામજી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે પરંપરાને તોડીને પારસીઓએ આજે શ્રી રામલલ્લા માટે જશ્ન કર્યો હતો.
કારનું હીટર ચાલુ રહી જવાને કારણે ઘરમાં કાર્બન મોનોક્સાઇડ છૂટતા 7 લોકોને થઇ હતી અસર
નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના મોટી કરોડ ગામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ અર્થે ગયો હતો, જ્યાં ઘરના ગેરેજમાં પાર્ક કરેલી કારનું હીટર ચાલુ રહી જતા, કારમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસનું ગળતર થતા ઘરમાં પ્રસર્યો હતો, જેમાં ઘરમાં રહેતા 7 લોકોને ગેસની અસર વર્તાઈ હતી. જેમાં મોટી કરોડના યુવાનનું ગેસને કારણે શ્વાસ રૂંધાતા મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય 6 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. યુવાનની મોતના સમાચાર વતન પહોંચતા તેના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે શ્વાસ રૂંધાતા યુવાનનું થયુ મોત
મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના મોટી કરોડ ગામે સ્કૂલ ફળિયામાં રહેતા નીલ શંકર પટેલ વર્ષ 2018 માં સ્ટૂડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે કેનેડાના ટોરેન્ટો શહેરમાં ગયો હતો. 5 વર્ષોથી નીલ કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો, દરમિયાન તેની બે બહેનો પણ સ્ટૂડન્ટ વિઝા પર જ કેનેડા પહોંચી હતી. નીલ તેની નાની બહેન અને અન્ય વિદ્યાર્થીઓ સાથે ટોરેન્ટોમાં ટાઉન હાઉસ ઓન એકટીવા એવન્યુમાં રહેતો હતો. ગત રોજ નીલ પટેલ અને તેના સાથે રહેતા વિદ્યાર્થીઓ ઘરે હતા, ત્યારે અચાનક ઘરમાં ફાયરીંગ એલાર્મ વાગવા માંડતા, તમામ દોડ્યા હતા અને ઘરના બારી બારણા ખોલી દીધા હતા. જેમાં નીલને ધ્યાને આવ્યું હતું કે ગેરેજમાં મુકેલી કાર ચાલુ હતી અને કારનું હીટર ચાલુ રહી જવાને કારણે કાર્બન મોનોકસાઇડ ગેસ લીક થયો હતો. કાર્બન મોનોક્સાઇડના ગળતરને કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતી હતી, જેમાં નીલે કાર પાસે જઈને કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા, જ વધુ પડતા કાર્બન મોનોક્સાઇડને કારણે નીલ જગ્યા પર જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતા તેની સાથેના અન્ય વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા, નીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ઘરમાં રહેતા અન્ય 6 વિદ્યાર્થીઓને પણ ગેસ ગળતરની અસર જણાતા, તેમને પણ સારવાર આપવામાં આવી હતી.
સરકાર પ્રોપર્ટી મેનેજર માટે એડવાઈઝરી જાહેર કરી, વિદેશી વિદ્યાર્થીઓમાં જાગરૂકતા ફેલાવે!!
કેનેડાનાં સ્થાનિક ટીવી ચેનલના રીપોર્ટ અનુસાર, વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ઘણીવાર ત્યાની સીસ્ટમની જાણ નથી હોતી. ઘરમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ કેવી રીતે લીક થાય, એલાર્મ વાગે તો શું ધ્યાને રાખવું, ક્યા પગલાં ભરવા અને શું ન કરવું એની કોઈ માહિતી ઘણા વિદ્યાર્થીઓને નથી હોતી. નીલ પટેલના કેસ પણ ઘરમાં જયારે એલાર્મ વાગ્યું, તો વિદ્યાર્થીઓએ ઘરના ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો ચકાસ્યા, પણ કોઈ ખામી જણાઈ ન હતી. પરંતુ કાર્બન મોનોક્સાઇડનું એલાર્મ વાગવાનું બંધ ન થતા, ગેરેજમાં જઈને ચકાસવા જતા નીલે શ્વાસ રૂંધાવાને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. જેથી સ્થાનિક સરકાર પ્રોપર્ટી મેનેજરો માટે એડવાઈઝરી જાહેર કરી, ઘર ભાડે આપતી વખતે વિદેશીઓને ઘરની સીસ્ટમ વિષે માહિત ગાર કરે, તો આવી વિપરીત પરિસ્થિતિમાં પોતાનો જીવ જોખમમાં મુકે નહીં સાથે જ ઇલેક્ટ્રોનીક્સ તેમજ અન્ય વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરી શકે.
મોટી કરોડ ગામમાં શોકની કાલીમા છવાઈ
નીલ પટેલ ઘરનો એકનો એક લાડકવાયો હતો. જેથી તેના મોતના સમાચાર આવતા જ તેના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. નીલની માતાને કલાકો બાદ નીલના મૃત્યુના સમાચાર આપતા તેના હોશ ઉડી ગયા હતા. સાથે જ ગામમાં પણ શોકની કાલીમા છવાઈ હતી હતી.
શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ અને ચાર વિદ્યાર્થીઓએ વિવિધ દોડમાં 17 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા
નવસારી : નવસારીની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 7 નાના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે દોડ લગાવી શાળાને ગૌરવ અપાવ્યુ છે. ગત દિવસોમાં દુબઈમાં 9 દેશો વચ્ચે રમાયેલી એથલેટિક્સ ગેમ્સમાં સાતેય વિદ્યાર્થીઓએ વિવિધ દોડમાં ભાગ લઇ, 17 ગોલ્ડ અને 4 સિલ્વર મળી કુલ 21 મેડલો પોતાના નામે કરી ભારત અને શાળાને વિશ્વ ફલક પર નામના અપાવી છે. ત્યારે બાળકોની વૈશ્વિક સિદ્ધિને જય અંબે સ્કૂલ દ્વારા ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં વિજય સરઘસ કાઢીને ઉજવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના ટ્રસ્ટી મહેશ ગજેરાએ આપી શુભેચ્છા
નવસારીના ચીખલી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે અગ્ર હરોળની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 7 વિદ્યાર્થીઓએ એથલેટિક્સ ગેમ્સમાં પોતાની ક્ષમતાનો વૈશ્વિક સ્તરે પરચો આપ્યો હતો. શાળાના વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલે શાળાના વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડતા 7 તારલાઓ શોધી કાઢ્યા, જેઓને સખત મહેનત સાથે અલગ અલગ રમતોમાં તૈયાર કર્યા અને આજે નવસારી નહીં, પણ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાને ગૌરવ અપાવ્યું છે. જેમાં શાળાના દિયા પ્રકાશ પટેલ, હીર દીપેશ પટેલ, આર્ય સંકેત પટેલ, તેજ ઠાકોર પટેલ, પંથ ઠાકોર પટેલ, શ્રેય મિનેશ પટેલ અને જેનીલ મુકેશ પટેલ દિલ્હી ખાતે સંયુક્ત ભારત ખેલ ફાઉન્ડેશન યોજાયેલી એથલેટિક્સ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી, પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યાંથી તેમની પસંદગી દુબઈ સરકાર દ્વારા યોજાયેલી 8 મી એથલેટિક્સ ગેમ્સમાં થતા તમામ વિદ્યાર્થીઓ શાળાના શિક્ષક ધર્મેશ પટેલ સાથે દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં અંડર 14 માં 5 વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લઈ 10 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે અંડર 11 અને 8 મળી બે વિદ્યાર્થીઓએ કુલ 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પોતાને નામ કર્યા હતા. વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ બદલ આજે શાળાએ ચીખલી મામલતદાર કચેરીથી વિજય સરઘસ કાઢ્યું હતું. જેનો પ્રારંભ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે વિજેતા બાળકોને મીઠાઈ અને પુષ્પ આપી કરાવ્યો હતો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સરઘસમાં વિદ્યાર્થીઓ કોઈ મોટા સેલિબ્રિટી હોય એવો અનુભવ કરતા તેમના ચેહરાઓ ખુશીથી છલકાઈ ગયા હતા. જ્યારે વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલની છાતી પણ ફુલાઈ હતી. શાળાના ટ્રસ્ટી મહેશ ગજેરાએ પણ વિદ્યાર્થીઓની વૈશ્વિક ફલક પર સિદ્ધિને બિરદાવી શાળા પર વિશ્વાસ મૂકનારા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ આ જ રીતે અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓમાં સફળતાના શિખરો સર કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદ્યાર્થીઓએ 18 ઇવેન્ટમાં મેળવ્યા 21 મેડલો
દુબઈમાં યોજાયેલી અંડર 14 દોડ સ્પર્ધામાં દિયા પટેલ 3 ગોલ્ડ, હીર પટેલ 3 ગોલ્ડ મેડલ, શ્રેય પટેલ બે ગોલ્ડ એક સિલ્વર મેડલ, જેનિલ પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ અને તેજ પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. જ્યારે અંડર 11 માં પંથ પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર અને અંડર 8 માં આર્યા પટેલે ત્રણ ગોલ્ડ મેડલ જીતીને શાળા, ચીખલી, ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે.