આંતરરાષ્ટ્રીય

ચક્ષુદાન માટે આજે પણ સમાજમાં જાગૃક્તાનો અભાવ, ચાલો ચક્ષુદાનનો સંકલ્પ લઈએ

Published

on

નવસારી રોટરી આઈ ઇસ્ટિટ્યુટે 47 વર્ષોમાં 8127 લોકોને બક્ષી નવી દ્રષ્ટિ

નવસારી : દુનિયા જોવી હોય તો માનવ શરીરમાં આંખ અગત્યનું અંગ છે. જો આંખ ન હોય તો રંગબેરંગી દુનિયા અંધકાર જ ભાસે છે. ત્યારે જેનું જીવન અંધારપટ હોય, એના જીવનમાં રંગો ભરવા માણસ આંખનું દાન કરે એ જરૂરી છે. પરંતુ સમાજમાં હજી પણ જાગરૂકતાનો અભાવ જોવા મળે છે, જેથી આજે વિશ્વ ચક્ષુદાન દિવસે સમાજ ચક્ષુદાનની મહત્વતા સમજી ચક્ષુદાન તરફ પ્રેરાય એ જરૂરી છે. નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટના સંચાલિત સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા 47 વર્ષોમાં 33 હજારથી વધુ આંખ મેળવી, 8127 લોકોને રંગ ભરેલી દુનિયા બતાવવામાં સફળતા મેળવી છે. 

નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટની ચક્ષુ બેન્કે આ વર્ષે 260 આંખ મેળવી જેમાંથી 28 આંખ થઈ ટ્રાન્સપ્લાન્ટ

આંખો વિના દુનિયા જોવી કલ્પી શકાય પણ નહીં, ત્યારે દુનિયામાં 1.80 કરોડ લોકોમાંથી 60 લાખ લોકો સંપૂર્ણ અંધતા ધરાવે છે, જ્યારે 1.20 કરોડ લોકોને જો યોગ્ય સારવાર સાથે કોઈની આંખ મળે તો એઓ રંગબેરંગી દુનિયા જોઈ શકે છે. 10 જૂનને વિશ્વ ચક્ષુદાન દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચક્ષુદાન અંગે આજે પણ સમાજમાં જાગરૂકતાનો અભાવ જોવા મળે છે. સ્વજનના મૃત્યુ બાદ શરીરમાં સાડા છ કલાક સુધી આંખ જીવીત રહે છે, જેથી સમય રહેતા આંખોનું દાન કરવામાં આવે, તો બે અંધ વ્યક્તિને આંખ મળતા તેમનું જીવન રંગોથી ભરાઈ શકે છે. ભારતમાં 435 ચક્ષુ બેંક છે અને ગુજરાતમાં 173 ચક્ષુ બેંક કાર્યરત છે. જેમાં દેશ – વિદેશમાં નામના ધરાવતી અને વર્ષના 365 દિવસોમાં 400 થી વધુ આંખની શિબિર યોજનારી નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સંલગ્ન 1977 માં સ્થાપિત સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા 47 વર્ષોમાં 33,350 આંખોનું દાન મેળવ્યુ છે. દાનમાં મળેલી આંખ બધી રીતે યોગ્ય હોય, તો એને જરૂરિયાતમંદ અંધ અથવા ખોડખાંપણ ધરાવતી આંખને બદલી શકાય છે. રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા સુધીમાં 8,127 લોકોને સફળતા પૂર્વક ઓપરેશન કરી, નવી દ્રષ્ટિ બક્ષવામાં આવી છે. આ વર્ષે છ મહિનામાં 260 આંખો મેળવી, જેમાંથી 28 આંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે બાકીની દાનમાં મળેલી આંખ સંશોધનમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. 

ચક્ષુદાન લેવા પુનિત ચક્ષુ બેંકની 4 ટીમ 24 કલાક સ્ટેન્ડ બાય

એક સમયે ગુજરાતની પ્રથમ અને ભારતની બીજા નંબરની નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આંખની સારવાર માટે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. સાથે જ રાહત દરે આંખની તપાસ કરી, મોતિયા બિંદ સહિતના આંખને લગતા 12500 ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે જ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જરૂરિયાતમંદને 56 લાખ રૂપિયાની રાહત આપવામાં આવી છે. સંસ્થા દ્વારા આંખની 70 ટકા સારવાર મફતમાં કરવામાં આવે છે, ત્યારે ચક્ષુદાન માટે એક ડોકટર, એક નર્સ, ડ્રાઈવર સાથે વાહન મળી 24 કલાક 4 ટીમ સ્ટેન્ડ બાય રહે છે. જ્યારે પણ ચક્ષુદાનનો કોલ આવે, એટલે ટીમ તરત આંખ સ્વિકારવા પહોંચે છે. એક આંખને સાચવવા 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી લોકોને આંખ આપી જીવનના રંગો બતાવવાનું ભગીરથ કાર્ય સરળતાથી પાર પાડવામાં આવે છે.

આજે પણ ચક્ષુદાન માટે સમાજમાં જાગરૂકતા અભિયાન જરૂરી

વિજ્ઞાને આજે એટલી હરણફાળ ભરી છે કે માનવ અંગોને બીજાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. ત્યારે માનવ શરીર મૃત્યુ પામે ત્યારબાદ એક આંખ જ સાડા છ કલાક સુધી જીવીત રહે છે. ત્યારે ચક્ષુદાન માટે વર્ષોથી લોકોને જાગૃત કરવામાં આવે છે, લોકોમાં જાગૃતિ આવી પણ ખરી, પરંતુ આજે પણ સમાજના ઘણા વર્ગોમાં શરીરમાંથી આંખ કાઢી નાંખવા મુદ્દે જાગરૂકતા નથી. જેના કારણે સમયે અને પૂરતી સંખ્યામાં ચક્ષુદાન મળતુ નથી. જેથી ચક્ષુદાન પ્રત્યે લોકો જાગરૂક બને તો લાખોના જીવનમાં રંગો ફેલાઈ શકે છે.

આવો સંકલ્પ કરીએ કે મૃત્યુ પછી ચક્ષુદાન

Click to comment

Trending

Exit mobile version