નવસારી : નવસારી રેલ્વે સ્ટેશન નજીકના બંદર રોડ ખાતે પાણીની ટાંકી પાસે ઝાડ નીચે જુગાર રમતા ચાર શકુનીઓને નવસારી ટાઉન પોલીસની ટીમે 31 હજારથી વધુના મુદ્દામાલ સાથે બાતમીને આધારે ઝડપી પાડયા હતા.
મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન HC લાલુસિંહને બાતમી મળી હતી કે, નવસારી રેલ્વે સ્ટેશન નજીક બંદર રોડ પર પાણીની ટાંકી પાસેના બાવળના ઝાડ નીચે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી રેડ કરતા 4 શકુનિઓ તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે ગાયત્રી મંદિરની આગળ રહેતો કનુ નાયકા (34) અને કલ્પેશ ઓડ (37), બહેરામ પટેલની ચાલમાં રહેતો યુસુફ ખાન (57) અને ઈમ્તિયાઝ શેખ (40) ની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી દાંવમાં મુકેલા 6,980 રૂપિયા અને જુગારીયાઓ પાસેથી 4,600 રૂપિયા રોકડા તેમજ 19,500 રૂપિયાના 4 મોબાઈલ ફોન મળી કુલ 31,080 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.