ગુજરાત

સંભવિત બિપરજોય વાવઝોડું આજે દરિયા કાંઠે ટકરાશે

Published

on

નવસારીના 52 કિમીના દરિયા કાંઠે પ્રતિ કલાક 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો

નવસારી : અરબી સમુદ્રમાં અત્યાર સુધીના સર્જાયેલા વાવાઝોડામાં સૌથી લાંબો સમય ચાલેલા બિપરજોય વાવાઝોડુ આજે સાંજે ગુજરાતના કચ્છના દરિયા કાંઠે ટકરાશે. જેની નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કિનારે જોવા મળી હતી. દરિયામાં કરંટ સાથે પ્રતિ કલાક 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

દરિયામાં કરંટ અને ભારે પવનને કારણે ગ્રામીણોમાં ભયનો માહોલ

અરબ સાગરને કાંઠે વસેલા નવસારી જિલ્લાનો 52 કિમીનો દરિયા કિનારો છે. જેથી દરિયામાં સમયાંતરે ઉઠતા વાવાઝોડાની અસર નવસારીના કાંઠે જોવા મળે છે. ગત દિવસોમાં અરબ સાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન બાદ વાવાઝોડામાં પરિવર્તિત થયુ, જેનું નામ બિપરજોય આપવામાં આવ્યુ હતું. 12 જૂનથી બિપરજોય ગુજરાતના દરિયા કાંઠે અથડાય એવી સંભાવના હતી, જે બાદમાં પાકિસ્તાનના કરાચી તરફ ફંટાયાની વાતે ગુજરાતે રાહત અનુભવી હતી. પરંતુ કુદરતને કંઈ અલગ મંજૂર હતુ અને સંભવિત વાવાઝોડુ ફરી ફંટાઈને ગુજરાતના કચ્છના દરિયા કિનારે અથડાવાની શક્યતા વધી હતી. જેમાં આજે બિપરજોય સાંજે 6 વાગ્યા બાદ દરિયા કિનારે વિનાશ વેરશે. ત્યારે નવસારીના દાંડી, ઓંજલ માછીવાડ, બોરસી માછીવાડ, ઉભરાટના દરિયા કિનારે દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો. જેની સાથે જ પ્રતિ કલાક 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોએ કાંઠાના ગામડાઓની ચિંતા વધારી હતી. જોકે વાવાઝોડાની નહીવત અસર રહે એવી પ્રાર્થના પણ લોકોએ કરી હતી.

વાવાઝોડાની અસરમાં ભારે પવન અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્ટિવ મોડમાં

સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ થયુ હતુ. જેમાં કાંઠાના 16 ગામડાઓને એલર્ટ કરવા સાથે જ આ ગામોમાં વર્ગ 1ના અધિકારીઓની નિયુક્તિ કરી તેમની સાથે તાલુકા કક્ષાના કર્મચારીઓને પણ જોડવામાં આવ્યા છે. ભારે પવનને કારણે સ્થળાંતર કરાવવાની જરૂર પડે તો આશ્રય સ્થાનોને પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા વાવઝોડાની સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version