નવસારી LCB પોલીસે ચોરીના ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડયો
નવસારી : ટ્રેનમાં મોબાઈલ ચોરીની નોકરી કરતો હોય એમ સવારે ઘરેથી એટીકેટમાં નીકળી ટ્રેનમાં વાપી અને ત્યાંથી સુરત એ રીતે ટ્રેનમાં ફરીને મોબાઈલ ચોરી કરતા અનોખા ચોરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા.
વિજલપોરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે ઝડપી પાડ્યો રૂપેનસિંહ
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ આજે નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ સાથે જ ASI સુનિલસિંહ દેવીસિંહ અને અર્જૂન પ્રભાકરને સંયુક્ત બાતમી મળી હતી કે, ટ્રેનમાં મુસાફરના સ્વાંગમાં ફરીને અન્ય મુસાફરોના મોબાઈલ ફોન તફડાવી લેતો ચોર વિજલપોરના રામનગર 1 માં રહે છે અને હાલમાં રામનગર પાસે જ છે. જે બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મોબાઈલ ચોર રૂપેનસિંહ હરકરણસિંહ રાજપૂતને ઝડપી પાડયો હતો. પોલીસે રૂપેનસિંહને તપાસતા તેની પાસે ચોરીના ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે ચોર રૂપેનસિંહની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વિજલપોર પોલીસને સોંપ્યો હતો.
ટ્રેનમાં મોબાઈલ ચોરીની નોકરી કરતો હોય એમ મુસાફરોના ફોન ચોરતો હતો રૂપેનસિંહ
નવસારી LCB પોલીસના હાથે પકડાયેલો મોબાઈલ ચોર રૂપેનસિંહ મોબાઈલ ચોરીમાં રીઢો છે. રૂપેન રોજ સવારે એટીકેટમાં તૈયાર થઈ નવસારી રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં સવાર થઈ વાપી જતો અને ત્યાંથી સુરત એમ અલગ અલગ ટ્રેનોમાં ફરતો હતો. જેમાં ટ્રેનમાં સુતેલા મુસાફરો કે અન્ય મુસાફરોની નજર ચુકવી મોબાઈલ ફોન તફડાવી લેતો હતો. ક્યારેક મુસાફરોના પાકીટ પણ સેરવી લેતો હતો. રૂપેન સવારથી સાંજ સુધી ટ્રેનમાં ફરીને મોબાઈલ ચોરતો હતો, જાણે ટ્રેનમાં મોબાઈલ ચોરીની નોકરી ન કરતો હોય. જ્યારે ચોરેલા મોબાઈલ દક્ષિણ ગુજરાતના લોકલ માર્કેટમાં વેચી રોકડા કરી લેતો હતો. રૂપેનને નવસારી LCB પોલીસે જ દોઢ વર્ષ અગાઉ ચોરીના 18 મોબાઈલ ફોન સાથે પકડ્યો હતો. જ્યારે વલસાડ, સુરત રેલ્વે પોલીસ મથકોમાં પણ રૂપેનસિંહ સામે ગુના નોંધાયા હતા.