જિલ્લા કલેકટરને હળપતિ સમાજે આવેદન આપી જમીન સ્મશાન માટે જાળવી રાખવા માંગ
નવસારી : નવસારીના મોલધરા ગામે બ્લોક સર્વે નં. 6 વાળી ખાનગી જમીન ગામના હળપતિ સમાજના લોકો વર્ષોથી તેમના સ્વજનોના મૃત્યુ બાદ તેમના મૃતદેહો દફનાવવા માટે ઉપયોગમાં લેતા આવ્યા હતા. જે જમીન માલિકના કુલમુખત્યારે જમીન વેચી નાંખતા મોલધરાના હળપતિઓએ સમાજના આગેવાનો સાથે મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જમીન સ્મશાન માટે જાળવી રાખવાની માંગ કરી છે.
મોલધરા સહિત આસપાસના ગામોના હળપતિઓ 5 પેઢીથી દફનાવતા આવ્યા છે મૃતદેહો
નવસારી તાલુકાના મોલધરા ગામના હળપતિ સમાજના લોકો ગામમાં જૂના બ્લોક સર્વે નં. 9 અને નવા બ્લોક સર્વે નં. 6 વાળી ખાનગી માલિકીની જમીન મિઠલીબેન મકન નાગરની હતી, જેમની દીકરી પાલીબેન નાગરના નામે ચાલી આવે છે, જેના કુલમુખત્યાર અને મોલધરાના જ ચેતન પટેલે હાલમાં જ ગીતાબેન મનીષ ભગતને વેચી છે. જેનો વેચાણ દસ્તાવેજ વર્ષ 2016 માં થયો હતો. તેમ છતાં મોલધરા સહિત આસપાસના ઓણચી, ભટ્ટાઈ, વિરવાડી, મુનસાડ, નસીલપોર વેગેરે ગામના હળપતિઓ આ ખાનગી જમીનમાં પોતાના સ્વજનોના મૃત્યુ બાદ તેમના મૃતદેહોને એમાં જ દફનાવાતા આવ્યા છે. લગભગ 5 થી 6 પેઢીથી આ જમીન હળપતિઓના સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાતી આવી છે, ત્યારે આ જમીન વેચાણ થતા ચિંતિત બનેલા મોલધરાનાં હળપતિઓએ સમાજના આગેવાનો સાથે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ખાનગી માલિકીની જમીન હોવા છતાં આ જમીન હળપતિઓ કે રીતે દફનવિધી માટે ઉપયોગ કરતા આવ્યા છે, એજ રીતે રહે એવી માંગ કરવામાં આવી છે.