મોપેડ સવાર વૃદ્ધને એસટી બસની ટક્કર વાગતા રસ્તા પર પટકાયા અને માથા પરથી ટાયર ફરી ગયુ
નવસારી : નવસારી એસટી ડેપોથી જૂનાથાણા જતા માર્ગ પર નવસારી જિલ્લા કોર્ટ નજીક મોપેડ પર જઈ રહેલા મુસ્લિમ વૃદ્ધને એસટી બસની ટક્કર લાગતા તેઓ રસ્તા પર પટકાયા હતા. જેમાં તેમનું માથા પરથી બસનું પાછળનું તોતીંગ ટાયર ફરી વળતાં વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીર્યુ મોત નિપજ્યું હતું. અક્સ્માત બાદ બસ આગળ ઉભી રાખી ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, નવસારીના ઈસ્લામપૂરા ખાતે રહેતા 65 વર્ષીય ઈસ્માઈલ ગુલામ વોશવેલ પોતાના મોપેડ ઉપર નવસારી એસટી ડેપો નજીક આવેલ બેકરીમાં પાઉં લેવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા એસટી ડેપોથી જૂનાથાણા માર્ગ પર જિલ્લા કોર્ટ નજીક વલસાડ જઈ રહેલી સેલંબા વલસાડ એસટી બસની ટક્કર લાગતા ઈસ્માઈલે મોપેડ પરથી કાબુ ગુમાવ્યો અને તેઓ રસ્તા પર પટકાયા હતા. પરંતુ કાળ સાબિત થયેલી એસટી બસના બે ટાયર વચ્ચે તેમનું માથુ આવી જતા, બસનું પાછળનું તોતીંગ ટાયર તેમના માથા પરથી ફરી વળતા ઈસ્માઈલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અક્સ્માત સર્જ્યા બાદ એસટી બસનો ચાલક બસ ઘટના સ્થળે છોડી ભાગી છૂટયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ ટાઉન પોલીસને જાણ કરતા ચારપુલ ચોકીથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈસ્માઈલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે એસટી બસ ચાલક સામે અક્સ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જ્યારે અક્સ્માત સર્જી એસટી બસ ચાલક ટાઉન પોલીસ મથકે હાજર થયો હતો. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.