પ્રેમી અને પ્રેમિકા બંને 1 વર્ષથી લીવઈન રિલેશનશીપમાં રહેતા હતા
નવસારી : બીલીમોરા શહેર નજીક આવેલા આંતલિયા ગામે ગત રાતે સગીર પ્રેમિકા સાથે લીવઈન રીલેશનમાં રહેતા પ્રેમીએ નશાની હાલતમાં પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં આવેશમાં આવી સગીર પ્રેમિકાને ગળું દબાવી પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી હતી, જ્યારે બાદમાં પસ્તાવો થતા પોતે પણ પ્રેમિકાની ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.
બે મહિનાથી રાજા પોતાની સગીર પ્રેમિકા સાથે કરતો હતો ઝઘડો
મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના આંતલિયા ગામે આવેલ શિવશક્તિ નગરમાં રહેતા અને મૂળ બિહારી રાજા સુરેન્દ્રસિંહ રાજપૂત (26) ને 17 વર્ષીય સગીર સાથે પ્રેમ હતો, જેથી રાજાએ સગીરા સાથે 10 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે સગીરાના પરિવારને રાજા સાથેના લગ્ન પસંદ ન હતા અને એમણે પ્રથમ વિરોધ કર્યો હતો. પરંતુ બાદમાં દિકરીની જીદ સામે પરિવાર હાર્યો અને સગીરા પુખ્તવયની થાય ત્યારે બંનેના લગ્ન કરાવી આપવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાં રાજા અને સગીરા બંને લીવઈન રીલેશનશીપમાં રહેતા હતા. રાજા ચીખલી ખાતે આવેલી વારી સોલાર પેનલ બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે સગીરાએ બે બાળકોને ટ્યુશન આપી સંસારની ગાડી ચલાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ રાજાને નશો કરવાની આદત હોવાથી બંને વચ્ચે છેલ્લા 2 મહિનાથી ઝઘડા વધ્યા હતા. ગત રાતે પણ રાજાએ નશો કર્યો હતો અને સગીર પ્રેમિકા સાથે રાજાનો ઝઘડો થયો હતો. જેથી સગીરાએ રાજાના ભાણેજ અજય રાજપૂતને રાજાની હરકત વિશે વાત કરતા અજયે રાતે 11:30 વાગ્યે નોકરીએ જતા પૂર્વે રાજાને સમજાવ્યો હતો અને ઝઘડો કર્યા વિના શાંતિથી સૂઈ જવા કહ્યુ હતું. પરંતુ અજયના ગયા બાદ રાજાએ પ્રેમિકા સાથે ઝઘડો કર્યો અને વાત એટલી બધી વણસી કે આવેશમાં આવી રાજાએ પોતાની સગીર પ્રેમિકા સાથે મારપીટ કરી અને તેનું ગળું દબાવી તેને યમધામ પહોંચાડી દીધી હતી. પ્રેમિકાના મોત બાદ રાજાને તેની કરણીનું ભાન થતા પસ્તાવામાં પોતે પણ રૂમનાં પંખા સાથે પ્રેમિકાની ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.
બીલીમોરા પોલીસે રાજા સામે હત્યા અને તેની આત્મહત્યા મુદ્દે અક્સ્માત મોતનો ગુનો નોંધ્યો
આજે બપોરે જ્યારે સગીરા રૂમમાંથી બહાર ન દેખાતા પડોશીઓએ તેના રૂમનું બારણું ખખડાવવા જતા બારીમાંથી રૂમની અંદર જોતા તેમના હોશ ઉડી ગયા હતા. ઘટનાની જાણ ભાણેજ અજયને થતા તાત્કાલિક ઘરે પહોંચી જોતા સગીર મામી મૃત અવસ્થામાં નીચે પડી હતી અને મામાં રાજા ફાંસો ખાધેલી હાલતમાં હતો. જેથી ગામના સરપંચ અને બીલીમોરા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રેમી યુગલના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મેંગૂષી હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસે અજય રાજપૂતની ફરિયાદના આધારે રાજા સામે સગીરાની હત્યા અને રાજાની આત્મહત્યા મુદ્દે અક્સ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.