અપરાધ

NH 48 પર બેફામ ઝડપે દોડતી કાળમુખી લક્ઝરી બસની અડફેટે ચઢેલા બાઈક સવાર પિતા પુત્રમાં પિતાનું મોત, પુત્ર ઘાયલ

Published

on

અકસ્માતમાં રજવાડા ગામના પૂર્વ સરપંચ પ્રકાશ આહીરનું ઘટના સ્થળે મોત, માસૂમ પુત્ર સારવાર હેઠળ

નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી રાત્રીના સમયે બેફામ ઝડપે દોડતી ખાનગી લકઝરી બસે નવસારીમાં સામર ફળિયા ફાંટા પાસે રસ્તો ક્રોસ કરવા માટે ઉભેલા બાઈક સવાર પિતા પુત્રને અડફેટે લેતા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે માસૂમ પુત્રને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અક્સ્માત સર્જીને બસ ડ્રાઈવર ઘટના સ્થળે બસ છોડીને ભાગી છૂટ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નં. 48 ને અડીને આવેલા નવસારી તાલુકાના રજવાડા ગામના પૂર્વ સરપંચ પ્રકાશ ઉર્ફે ઠાકોર આહીર તેમના 5 વર્ષીય પુત્ર ક્રિશવ સાથે ફરવા ગયા હતા. જ્યાંથી રાત્રે 9 વાગ્યા આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે હાઇવે પાર કરતી વેળાએ સામાર ફળિયા ફાંટા પાસે ડીવાઈડરની ગેપમાં ઉભા રહી વાહનો પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા. એ દરમિયાન બેફામ ઝડપે કાળ બનીને આવેલી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે બસ પરથી કાબુ ગુમાવી ડીવાઈડરની ગેપમાં ઉભેલા પ્રકાશ આહીરની બાઈકને અડફેટે લીધી હતી. ભયાનક આ અકસ્માતમાં બાઇક ઉપર બેઠેલા પિતા પુત્ર ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા, જ્યારે બાઈક હાઇવે પર પડતાં પાછળથી આવતી કારની નીચે આવી જતા કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. બીજી તરફ હાઇવે પર પટકાતા ગંભીર રીતે ઘવાયેલાં પ્રકાશ આહીરનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયુ હતું. જ્યારે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા માસૂમ ક્રિશિવને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માત સર્જીને બસ ડ્રાઈવર ઘટના સ્થળે જ બસ છોડીને ભાગી છૂટયો હતો.

અક્સ્માત સર્જાતા જ રાહદારીઓ અને નજીકના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે
હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાઇવે પર પડેલા વાહનોને કિનારે કરાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સાથે જ મૃતક પ્રકાશ આહિરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. ગ્રામ્ય પોલીસે બસ ડ્રાઈવર સામે અક્સ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version