નવસારી : વાપીથી શામળાજી સુધીના નેશનલ હાઇવે નં. 56 ને પહોળો એટલે ચાર માર્ગીય કરવામાં આવનાર છે, જે પૂર્વે ભારત સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા આરંભી છે. જેમાં વાંસદાના 18 ગામડાઓની જમીન સંપાદન થશે, જેના માટે અસરગ્રતોએ વાંધાઓ રજૂ કર્યા બાદ આજે વાંસદા પ્રાંત અધિકારીએ રાખેલી લોક સુનવણીનો અસરગ્રસ્ત ખેડૂતોએ કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો.
ભારત સરકાર દ્વારા હાઇવેને પહોળા બનાવવાના પ્રયાસો આરંભાયા છે, જેમાં નેશનલ હાઇવે નં. 56 રાજસ્થાનના શામળાજીથી ગુજરાતના વાપી સુધીનો માર્ગ છે, જેમાં ગુજરાતના દાહોદથી વાપી સુધીનો હાઇવે ચાર માર્ગીય કરવા જમીન સંપાદનની પ્રક્રિયા આરંભી છે. જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના 18 ગામોના અસરગ્રસ્તોએ વિરોધનો સૂર છેડ્યો હતો અને ગત દિવસોમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંધા અરજીઓ વાંસદા પ્રાંતને સોંપી, એકસપ્રેસ વે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું જે વળતર આપવામાં આવ્યુ, જમીનમાં આવેલા ઝાડો અને અન્ય મિલકતનું વળતર પણ એજ પ્રમાણે આપવા જણાવાયું હતું. જોકે વાંસદાના અસરગ્રસ્તોએ જીવ આપશું, પણ જમીન નહીં ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ વાંસદા પ્રાંત અધિકારી દ્વારા આજથી વાંધા સામે લોક સુનવણી રાખી હતી, જેનો પણ 18 ગામડાઓના અસરગ્રસ્તોએ વિરોધ કર્યો છે, જેમાં વાંસદા તાલુકા સેવા સદન ખાતે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની સાથે ધરણાં પર બેસી સરકારની આદિવાસી પટ્ટામાં વિકાસના નામે વિસ્થાપનની નીતિ હોવાના આક્ષેપો સાથે વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ વાંસદા પ્રાંત અધિકારી ડી. આઈ. પટેલને આવેદનપત્ર આપી કોઈપણ ભોગે જમીન નહીં આપવાનો રાગ આલાપ્યો હતો. પ્રાંત અધિકારી પટેલે આવેદનપત્ર સ્વિકારી અસરગ્રસ્તોની માંગ અને લાગણી સરકારમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યુ હતું.