હથેળીમાં મહેંદીથી પોઈટ્રેટ અને મિનીએચર આર્ટમાં માનસીએ કેળવી છે માસ્ટરી
વલસાડ : કોરોનાએ અનેક લોકોની જિંદગીના દરવાજા બંધ કર્યા, પણ ઘણા એવા પણ છે, જેમણે કોરોનાનાં વિકટ સમયમાં પોતાની જાતને કેળવી જીવનમાં નવી કેડી કંડારી છે. જેમાં ઘરમાં ટાઈમ પાસ માટે શરૂ કરેલ મહેંદી શીખવાનું વાપીની માનસી મહેતાને આજે વૈશ્વિક ઓળખ અપાવી ગયુ છે. માનસીએ મહેંદીમાં મિનીએચર આર્ટમાં માસ્તરી મેળવી અને 30 મિનીટમાં 8 આંગળીના ટેરવા પર મહેંદી મુકી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. સાથે જ જીનીયસ ઇન્ડિયન એચિવર એવોર્ડ 2023 પણ માનસીએ પોતાને નામે કર્યો છે.
ટાઈમ પાસ માટે શરૂ કરેલ મહેંદીને પેશન બનાવી મેળવી વૈશ્વિક ઓળખ
મહિલાઓ માટે હાથોમાં મહેંદી મુકવી દરેક પ્રસંગમાં સામાન્ય હોય છે, પરંતુ મહેંદી મુકવી પણ એક કળા છે. જેમાં બહુ ઓછા લોકો એક પ્રોફશનલ ટચ આપી શક્યા છે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં રહેતી માનસી મહેતાએ કોરોનાં કાળમાં લોક ડાઉન દરમિયાન ઘરમાં બેસીને ટીવી કે મોબાઈલ પર ટાઈમ પાસ કરવાને બદલે પોતાના સમયનો સદુપયોગ કર્યો અને બહેનપણી સાથે મહેંદી મુકવાની શીખવાનું શરૂ કર્યુ હતુ. માનસીએ ટાઈમ પાસ માટે શરૂ કરેલી મહેંદી આજે તેનું પેશન છે અને મહેંદીએ જ માનસીને વૈશ્વિક ઓળખ અપાવી છે.
પ્રોફેશનલ તાલીમ મેળવ્યા બાદ પોઈટ્રેટ મહેંદીમાં મેળવી મહારથ
કોરોના કાળમાં શરૂ કરેલ મહેંદીમાં થોડી હથોટી મેળવ્યા બાદ માનસીએ મહેંદીમાં જાણીતા 4 કલાકારો પાસે પ્રોફેશનલ તાલીમ લીધી હતી. જેના દ્વારા માનસી ટ્રેડિશનલ મહેંદી સાથે જ હથેળીમાં મહેંદીથી પોઈટ્રેટ બનાવતી થઈ છે. હથેળી પર આબેહૂબ ચહેરો બનાવવો ઘણું મુશ્કેલ હોય છે, પણ માનસીની પોતાની મહેનત અને મહેંદી પ્રત્યેની લગનને કારણે પોઈટ્રેટ બનાવવામાં તેણે મહારથ કેળવી છે. માનસીએ અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બોલીવુડ અભિનેતા સલમાન ખાન, રણવીર સિંહ, ઈરફાન ખાન, વિકી કૌશલ, જુ. NTR, રામચરણ સહિત અભિનેત્રી આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, શ્રધ્ધા કપૂર, સોનાક્ષી સિંહા, હેમામાલિની જેવા અનેક સેલબ્સના આબેહૂબ પોઇટ્રેટ હાથની હથેળી પર બનાવી ચુકી છે.
મહેંદીના પેશને અપાવ્યું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન
પોઈટ્રેટ સાથે જ માનસીએ મિનીએચર આર્ટ ઉપર હાથ અજમાવ્યો, જેમાં સફળ થઈ અને આંગળીના ટેરવા પર દુલ્હા, દુલ્હન સહિત લગ્નની પરંપરાઓ જેવી વિવિધ ડિઝાઇન બનાવવામાં સરળતાથી બનાવી લે છે. પોતાની આજ કળાને માનસીએ વૈશ્વિક ફલક પર મુકવા ગત 25 નવેમ્બર, 2022 ના રોજ વર્લ્ડ ઇન્ડિયા રેકોર્ડમાં નામાંકન કરી, માત્ર 30 મિનીટમાં હાથની 8 આંગળીઓના ટેરવાઓ પર મિનીએચર આર્ટ કરીને પ્રથમ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. જેની સાથે જ માનસીએ જીનીયસ ઇન્ડિયન એચીવર એવોર્ડ 2023 પણ મેળવી ભારત સાથે વિશ્વ સ્તરે પોતાનું, માતા પિતા, વાપી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.