પીડિતાએ લગ્ન કરવાની ના પાડી, તો અસીમે પરિવારને મારી નાંખવાની ધમકી આપી હિન્દુ મિત્ર સાથે લગ્ન કરાવ્યા હતા
નવસારી : ખેરગામના ચકચારીત લવ જેહાદ પ્રકરણમાં શાતિર અસીમ શેખે જબરદસ્તી બનાવેલી માશુકાને લવ જેહાદના આરોપોથી બચવા જેની સાથે જબરદસ્તી પરણાવી દીધી હતી, એ હત્યારોપી મિત્ર રોનક પટેલને પણ નવસારી LCB પોલીસે દબોચી લીધો છે.
રોનક સાથે પીડિતાના લગ્ન થયાના ત્રીજા દિવસે જ પરિવારે કરાવ્યા છૂટાછેડા
નવસારી જિલ્લાના ખેરગામના 37 વર્ષીય અસીમ નીઝામમિયાં શેખે તાલુકાની હિન્દુ સગીરાને જબરદસ્તીથી પોતાની પ્રેમિકા બનાવી વર્ષો સુધી એને ભોગવતો રહ્યો હતો. સગીરા પુખ્ત વયની થતા તેને બેગમ બનાવવાની લાલચ આપતો રહેતો હતો, જોકે લવ જેહાદના આક્ષેપોમાં ફસાવાની બીકે અસીમે પીડિતાને બીલીમોરા ખાતે રહેતા તેના મિત્ર અને હત્યાના આરોપી રોનક પટેલ સાથે લગ્ન કરી લેવા કહ્યુ હતુ. પરંતુ પીડિતાએ તેની સાથે લગ્નની ના પાડી, તો પીડિતાના પરિવારને મારી નાંખવાની ધમકી આપી લગ્ન કરવા મનાવી હતી. બીજી તરફ રોનક પટેલને તારા ઉપર હત્યાનો આરોપ છે, તને કોણ છોકરી આપશે કે કોણ તારી સાથે રહેવા તૈયાર થશે એવી લાગણીસભર વાતો કરીને પીડિતા સાથે લગ્ન કરવા મનાવ્યો હતો. ત્યારબાદ ગત 20 મે, 2023 ના રોજ નવસારીના જુનાથાણા સ્થિત બલ્લાળેશ્વર મહાદેવ મંદિરે રોનક અને પીડિતાના લગ્ન કરાવ્યા હતા અને નવસારીની એક મહિલા વકીલે કોર્ટમાં લગ્ન નોંધણી પણ કરાવી હતી. પરંતુ લગ્ન થયા બાદ પીડિતા રોનક સાથે નહીં, પણ અસીમ સાથે જતી રહી હતી અને અસીમ ચીખલીના એક ગામમાં પોતાની બહેનને ત્યાં મુકી આવ્યો હતો.
આરોપી રોનક પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર
સમગ્ર પ્રકરણમાં પીડિતા પોતાના ઘરેથી ભાગી ગઈ હોવાનું પરિવારને ધ્યાને આવતા, પીડિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાએ લગ્ન કરી લીધા હોવાનું જણાવતા પરિવારે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસના દબાણમાં મહિલા વકીલે રોનક અને પીડિતાને ખેરગામ પોલીસ મથકે હાજર કર્યા હતા. જ્યાં કાઉન્સેલિંગ બાદ પીડિતાને પરિવારને સોંપી હતી. સાથે જ પરિવારે લગ્નના ત્રીજા જ દિવસે ગણદેવી પોલીસ મથકે છૂટાછેડાની અરજી કરી, પીડિતાના રોનક સાથે છૂટાછેડા પણ કરવી નાંખ્યા હતા. જેના થોડા દિવસ બાદ જ પીડિતાએ રેન્જ આઇજીને લેખિત અરજી કરી હતી અને જેમાં પ્રાથમિક તપાસ બાદ ખેરગામ પોલીસના ચોપડે 23 જૂન 2023 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં નવસારી LCB પોલીસે અસીમ શેખને ઝડપી પાડયા બાદ આજે રોનક પટેલને પણ દબોચી પાડયો હતો. જેને નવસારી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસને વેગ આપ્યો છે.