ડાંગની હેતલ જાદવે સ્વર્ણ અને દિપાલી આર. એ રજત પદક જીત્યો
ડાંગ : કરાટે ટૂ ફેડરેશન ગુજરાત દ્વારા આંણદ ખાતે યોજાયેલી ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયનશીપમાંથી ડાંગ જિલ્લામાંથી 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં હેતલ જાદવે સ્વર્ણ પદક અને દિપાલી આર. એ રજત પદક જીતી ડાંગનું નામ રોશન કર્યુ હતુ.
ડાંગની સ્પોર્ટ્સ કરાટે એસોસીએશન દ્વારા ડાંગના આદિવાસી બાળકોમાં રહેલી ક્ષમતાને વિકસાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં કરાટે વિશેની તાલીમ આપી બાળકો અને ખાસ કરીને બાળકીઓને તેમના સ્વ બચાવ માટે સક્ષમ બનાવવાનાં પ્રયાસો છે. ત્યારે સ્પોર્ટ્સ કરાટે એસોસીએશનના ચેરમેન અને વિધાનસભાનાં નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને પ્રમુખ વિજય રાઉતના માર્ગદર્શનમાં ડાંગના અનેક બાળકોએ જિલ્લા કક્ષા સાથે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી અનેક સિદ્ધિઓ પોતાને નામે કરી છે. ત્યારે ગત દિવસોમાં આણંદ ખાતે કરાટે ટૂ ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયનશીપ 2023 માં ડાંગના સ્પોર્ટ્સ કરાટે એસોસીએશનના 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી હેતલ જાદવે ઉત્કૃષ્ટ દેખાવ કરી, સ્વર્ણ અને રજત પદક મેળવ્યો હતો. જયારે દિપાલી આર. એ રજત પદક મેળવી ડાંગનું નામ રાજ્યમાં ગુંજતું કર્યુ હતું. બંને વિદ્યાર્થીનીઓની સિદ્ધિને સંસ્થાના શિક્ષકો અને તેમના પરિવારજનોએ વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.