ગણદેવીમાં સાડા ત્રણ ઇંચ, જયારે ચીખલીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો
નવસારી : હવામાન વિભાગની આગાહી આજે નવસારી માટે સાચી ઠરી હતી. વહેલી સવારથી મેઘાએ શરૂ કરેલી બેટિંગ સાંજ સુધી રહેતા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને જિલ્લાના ચાર તાલુકાઓ પાણીથી તરબોળ થયા હતા, જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધતા તાલુકાની નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે.
નવસારી જિલ્લામાં થોડા દિવસોથી વરસાદી માહોલ રહ્યો, પણ મેઘાએ જાણે વિરામ લીધો હોય એવી સ્થિતિ હતી. પરંતુ હવામાન વિભાગની આજથી થોડા દિવસો માટે જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે સાચી ઠરી અને જિલ્લામાં વહેલી સવારથી ગણદેવી, ચીખલી, નવસારી અને ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં ગણદેવી અને ચીખલીમાં રીતસર મેઘાએ ધમડાટી બોલાવી હતી. જેમાં છ કલાકમાં જ ચીખલીમાં 113 મિમી, જયારે ગણદેવીમાં 73 મિમી વરસાદ પડતા બંને તાલુકાઓમાં જન જીવનને અસર પડી હતી. બીજી તરફ કાવેરી અને અંબિકા નદીમાં પાણીની આવક વધતા બંને કાંઠે થઇ હતી. જોકે બપોર બાદ મેઘાએ થોડી રાહત આપતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સાંજથી મોડી રાત સુધીમાં નહીવત વરસાદને કારણે નદીઓમાં પણ પાણીના સ્તર ઘટ્યા હતા.
નવસારી જિલ્લામાં રાતે 10 વાગ્યે પુરા થતા 16 કલાકનો વરસાદ
નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીના 16 કલાકમાં પડેલા વરસાદ ઉપર નજર કરીએ, તો નવસારી તાલુકામાં 50 મિમી, જલાલપોર તાલુકામાં 15 મિમી, ગણદેવી તાલુકામાં 83 મિમી, ચીખલી તાલુકામાં 116 મિમી, ખેરગામ તાલુકામાં 73 મિમી અને વાંસદા તાલુકામાં 21 મિમી વરસાદ વરસ્યો હતો. જયારે રાતે 10 વાગ્યે જિલ્લાની નદીઓના જળસ્તર પર નજર કરીએ તો, અંબિકા નદી 12.59 ફૂટ, કાવેરી નદી 11.50 ફૂટ અને પૂર્ણા નદી 10 ફૂટ પર વહી રહી છે.