અપરાધ

પોલીસનો રોફ બતાવી ગ્રામ્ય વિસ્તારમાં વેપારીઓનો તોડ કરતી ટોળકી ઝડપાઈ

Published

on

ખેરગામના ભંગારના વેપારીને ક્રાઈમ બ્રાંચમાંથી હોવાનું જણાવી, ધમકાવીને 25 હજાર પડાવ્યા હતા

નવસારી : ખેરગામના ભંગારના વેપારીને લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ હોવાનો રોફ બતાવી, વેપારી ગેરકાયદેસર ભંગારનો ધંધો કરતો હોવાનું કહીને તેને ધમકાવીને 25 હજાર રૂપિયાનો તોડ કરનારી નકલી પોલીસ ટોળકીને ખેરગામની અસલી પોલીસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી છે. આરોપીઓ ક્રાઈમ નામથી શરૂ થતી NGO ના સભ્યો હતા અને એનો ઓળખ કાર્ડ બતાવી, પોતે પોલીસ હોવાનો રોફ બતાવીને રૂપિયા પડાવતા હતા.  

બે નંબરમાં અથવા ગેરકાયદેસર રીતે ઘણા વેપારીઓ ધંધો કરતા હોય છે, ઘણામાં વેચાણ અર્થેનું લાયસન્સ લેવાનું હોય છે અથવા ઘણામાં તેમની પાસે આવતો સામાન ક્યાંથી કેવી રીતે આવ્યો એનું પણ ધ્યાન નથી રાખતા હોતા. જેના કારણે ઠગ ભગતો આવા વેપારીઓ અથવા ધંધાર્થીઓને ટાર્ગેટ બનાવી તેમની પાસે હજારો, લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. ખેરગામના ભંગારના વેપારી મગનલાલ કુમાવતને ત્યાં ગત રોજ પાંચ ઇસમો બે કારમાં પહોંચ્યા હતા. ભંગારના ગોડાઉન પર પહોંચી ૫૦ વર્ષીય મહમદ કાસમ ખલીફા અને તેની સાથેના તેના સાથીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને પોતે લોકલ ક્રાઈમ બ્રાંચથી હોવાનું જણાવી મગનલાલને ધમકાવ્યો હતો. સાથે જ ગેરકાયદેસર રીતે અને ચોરીનો ભંગાર વેચતો હોવાનું જણાવી તેનાં વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો ડર બતાવ્યો હતો. બાદમાં પતાવટ પેટે 25 હજાર રૂપિયા લઇને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં મગનલાલે તેમના વિશે તપાસ કરતા, આવા કોઈ પોલીસ કર્મીઓ ન હોવાનું જણાતા મગનલાલે ખેરગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી ખેરગામ પોલીસે બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કરી, ચીખલીના ખુડવેલ ખાતે રહેતા મહમદ કાસમ ખલીફા વલસાડના ધરમપુરના માલણપાડા ગામના જીતેન ગાવિત અને રોહિત ગાવિત સહીત એક સગીરને પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ કરતા તેઓ એક NGO સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેમની પાસે ક્રાઈમ સર્વેલન્સ એન્ડ ઈન્ટેલીજન્સ કાઉન્સિલ, નામની NGO નાં ઓળખ કાર્ડ પણ મળ્યા હતા. જયારે તેઓએ નવસારી અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભંગાર, કિરાણા જેવા નાના વેપારીઓને ટાર્ગેટ કરીને, તેમને ધમકાવી રૂપિયા પડાવતા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે મહમદ કાસમ, રોહિત અને જીતેનની ધરપકડ કરી હતી. જયારે તેમના અન્ય એક સાથી બાબુ વજીર પટેલને વોન્ટેડ જાહેર કરી, ગુનામાં વપરાયેલી બે કાર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version