વરસાદને કારણે મળસ્કે દીવાલ પડતા દંપતી કાટમાળમાં દંપતી દબાયુ
નવસારી : નવસારીમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ સતત વરસાદ વરસી રહ્યો છે, જેમાં નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જુના જર્જર મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહી છે. આજે મળસ્કે પણ નવસારીના ખડસુપા ગામે અંદાજે 25 વર્ષ જૂનું જર્જર સરકારી આવાસ વરસાદી માહોલમાં જમીનદોસ થતા આવાસમાં ઘેરી નીંદર માણી રહેલા વૃદ્ધ દંપતી કાટમાળમાં દબાતા બંનેનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનામાં ઘરના ઓટલા પર સુઈ રહેલા દંપતીના પુત્રનો આબાદ બચાવ થયો હતો.
આવાસ 25 વર્ષ જૂનું હતુ, ગરીબ પરિવાર સમારકામ કરાવવામાં અસમર્થ રહેતા થયુ હતું જર્જરિત
મળતી માહિતી અનુસાર, નવસારી તાલુકાના ખડસુપા ગામે હડક ફળિયામાં રહેતા 62 વર્ષીય સુમન ઝવેર હળપતિ અને તેમની 52 વર્ષીય પત્ની જશુ સુમન હળપતિ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જયારે તેમનો પુત્ર વહાણમાં ખલાસી તરીકે કામ કરે છે. સરકાર દ્વારા અંદાજે 25 વર્ષ અગાઉ સુમન હળપતિને સરકારી આવાસ ફાળવાયુ હતું, પરંતુ સમય જતા જર્જર થયેલા આવાસનું સમારકામ કરાવવામાં અસમર્થ સુમન અને તેમનો પરિવાર જર્જરિત આવાસમાં જ રહેતા હતા. દરમિયાન ગત રાતે સુમન અને તેમની પત્ની જશુ ઘરના અંદર સુતા અને તેમનો દીકરો બહાર ઓટલા પર સુતો હતો. જેમાં વરસાદી માહોલને કારણે જર્જર આવાસ ટકી ન શક્યું અને મળસ્કે સાડા ત્રણ વાગ્યાના સુમારે આવાસ ધરાશાયી થતા ઘરમાં ઘેરી નિંદ્રામાં સુતેલા સુમન અને જશું દીવાલના કાટમાળ નીચે દબાયા હતા. જેમાં ઘરને ટેકો આપવા મુકવામાં આવેલો સિમેન્ટનો થાંભલો માથા પર પડ્યો હતો સાથે જ દીવાલનો કાટમાળને કારણે બંને પતિ પત્નીના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. જયારે ઘર બહાર સુતેલા તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે અડોશ પડોશના લોકો ભેગા થયા હતા અને કાટમાળમાંથી હળપતિ દંપતીના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સાથે જ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી ગ્રામ્ય પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમગ્ર પ્રકરણમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.