વાન પાછળ રમી રહેલી બાળકી જમીન પર પટકાતા માથા પરથી ટાયર ફરી વળ્યુ
નવસારી : વાંસદાના વારાણસી ગામે આજે શાળાના વિદ્યાર્થીઓને મુકવા આવેલી સ્કૂલ વાનના ચાલકે પાછળ રમી રહેલી 14 વર્ષીય બાળકીને જોયા વિના જ રીવર્સ લેતા, અકસ્માતે ચઢેલી બાળકી જમીન પર પટકાઈ હતી અને જેમાં વાનનું ટાયર બાળકીના માથા પરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ.
બાળકીના અવસાનથી પરિવારમાં શોકની કાલીમા છવાઈ
મળતી માહિતી અનુસાર, નવસારીના વાંસદા તાલુકાના વારાણસી ગામના પેલાદ ફળિયામાં રહેતી 14 વર્ષીય અર્ચના મહેન્દ્ર પટેલ આજે બપોરે પોતાના મિત્રો સાથે ઘર આંગણામાં રમી રહી હતી. દરમિયાન એક સ્કૂલ વાન શાળાના વિદ્યાર્થીઓને મુકવા આવી હતી. વાન ઉભી હતી એ દરમિયાન અર્ચના રમતા રમતા વાન પાછળ પહોંચી હતી અને ત્યાં રમી રહી હતી. એજ સમયે વાન ચાલકે પાછળ જોયા વિના જ વાનને રીવર્સ લીધી હતી, જેમાં વાનની પાછળ રમી રહેલી અર્ચના અડફેટે ચઢી હતી અને જમીન પર પટકાઈ હતી, જેમાં વાનનું ટાયર તેના માથા ઉપરથી ફરી વળતા માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો અને મૃતક અર્ચનાને જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. અર્ચનાના નિધનને પગલે પરિવારના આક્રંદથી વાતાવરણ શોકમય બન્યું હતું. જયારે ઘટનાની જાણ થતા વાંસદા પોલીસે મૃતક અર્ચનાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ વાન ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળન તપાસ આરંભી છે.