નવસારી : હવામાન વિભાગ દ્વારા 18 થી 22 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે છેલ્લા બે દિવસોથી નવસારીમાં વરસાદ નહીવત રહ્યો છે, પરંતુ આજે સવારે 6 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યોં છે, જયારે વાંસદા તાલુકામાં અડધો ઇંચ અને બાકીના તાલુકાઓમાં નહીવત વરસાદ નોંધાયો હતો.
ઓરેન્જ એલર્ટ વચ્ચે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ચોમાસાનો પ્રારંભ થયાને નવસારીમાં સુરજ દાદા ભાગ્યે જ જોવા મળે છે. સતત હવામાન વિભાગની આગાહીને પગલે કાળા ડીબાંગ વાદળો સાથે ધીમી ધારે અથવા મુશળાધાર વરસાદ રહ્યો છે, જેમાં ખેરગામ તાલુકામાં મોસમનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે નવસારી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ગત રોજ જિલ્લામાં નહીવત વરસાદ રહ્યા બાદ રાતે ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાતે 8 વાગ્યાથી મોડી રાતે 12 વાગ્યા સુધીના 4 કલાકમાં ખેરગામમાં 48 મિમી એટલે 2 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો હતો. બીજી તરફ આજે વહેલી સવારથી નવસારીમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
જિલ્લામાં વાંસદા તાલુકાના અનેક ગામડાઓ માટે જીવાદોરી સમાન જૂજ અને કેલીયા ડેમ પણ છલકાવાની અણીએ પહોંચ્યા છે. જેમાં જૂજ ડેમ અત્યાર સુધીમાં 163.60 મીટર ભરાયો છે, જયારે 167.50 મીટરે જૂજ ઓવરફલો થશે. કેલીયા ડેમ પણ અત્યાર સુધીમાં 111.90 મીટર ભરાયો છે, જે 113. 40 મીટરે ઓવરફલો થશે. જેથી સતત વરસાદી માહોલ રહે, તો થોડા જ દિવસોમાં બંને ડેમ છલકાવાની સંભાવના સેવાઈ રહી છે, જેને લઈને અધિકારીઓ પણ સતત ડેમની સપાટી ઉપર નજર રાખી રહ્યા છે.