જિલ્લામાં વરસાદની આગાહી છતાં, નહીવત વરસાદ
નવસારી : નવસારીમાં મેઘો જાણે થાક્યો હોય એમ હવામાન વિભાગની બે દિવસ ઓરેન્જ એલર્ટ હેઠળ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવા છતાં જિલ્લામાં ગત રોજ નહીવત વરસાદ નોંધાયો હતો, જયારે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ઉઘાડ દેખાયો હતો. જોકે ગત 24 કલાકમાં જિલ્લાના ચીખલીમાં 22, ખેરગામમાં 21 અને જલાલપોરમાં 14 મિમી વરસાદ નોંધાયો હતો.
વરસાદના વિરામથી લોકોને રાહત
ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથે જ નવસારીમાં સતત વરસાદી માહોલ રહ્યો છે. જેમાં પણ ગત દિવસોમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘાએ સર્વત્ર પાણી પાણી કર્યુ હતુ. જોકે ત્યારબાદ પણ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 42.52 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જોકે ફરી વરસાદી સીસ્ટમ બનતા હવામન વિભાગ દ્વારા 18 જુલાઈથી 22 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી હતી. જેમાં 19 અને 20 જુલાઈ ઓરેન્જ એલર્ટ હેઠળ છે, તેમ છતાં જાણે મેઘરાજા થાક્યા હોય એમ જિલ્લામાં ગત રોજ નહીવત વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ત્રણ તાલુકામાં અડધોથી 1 ઇંચની વચ્ચે અને બે તાલુકામાં નામમાત્ર વરસાદ વરસ્યો હતો. જયારે વાંસદા કોરો રહ્યો છે. જયારે આજે પણ ઓરેન્જ એલર્ટ હોવા છતાં નવસારીમાં સવારથી કાળા ડીબાંગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે, પણ વરસાદ નથી. ક્યાંક કયાંક સૂર્યદેવતા પણ દર્શન આપીને ફરી વાદળોમાં છુપાઈ રહ્યા છે. જોકે હજી દિવસની શરૂઆત છે, પણ આગાહી પ્રમાણે વરસાદ વરસી પણ શકે છે. જોકે વરસાદને બદલે ઉઘાડ જેવી સ્થિતિ રહેતા લોકોને રાહત મળી છે.
નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
નવસારી : 04 મિમી, જલાલપોર : 14 મિમી,
ગણદેવી : 02 મિમી, ચીખલી : 22 મિમી,
ખેરગામ : 21 મિમી, વાંસદા : 00 મિમી