નવસારી : નવસારીમાં આજે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં શહેરના તીઘરા જકાતનાકાથી લોઢાના પુલથી આગળ સુધી કેળ સમા પાણી ભરાવા સાથે જ વરસાદી કાંસ નજીકની સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને ઘરોમાં વરસાદી પાણીના ભરાવાને કારણે લોકો નાના બાળકો સાથે ઘૂંટણ સમા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઘરમાં ફર્નીચર પાણીમાં ગરકાવ થવા સાથે જ રસોડામાં LPG ગેસના બોટલને પણ દોરીથી બાંધીને રાખવા પડ્યો છે, કારણ વરસાદી પાણીના પુરમાં તણાઈ ન જાય. સાથે જ ઘરમાં બાઈકને પણ દોરીથી બાંધીને રાખી હતી. ત્યારે આફત બનીને વરસેલા વરસાદે નવસારીના નીચાણવાળા વિસ્તારોના લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જોકે 1 વાગ્યા બાદ વરસાદ ધીમો પડતા લોકોને થોડી રાહત થઇ છે.