દક્ષિણ-ગુજરાત

નવસારીમાં રાત્રે મેઘાની દમદાર બેટિંગ, ચીખલીમાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ

Published

on

કાવેરી નદીના જળસ્તરમાં પણ 4 કલાકમાં દોઢ ફૂટનો વધારો, નદી 11.50 ફૂટે વહેતી થઇ

નવસારી : નવસારી જિલ્લામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ રહ્યા બાદ ગત રોજ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ દિવસ દરમિયાન મેઘરાજાએ પોરો ખાધો અને સૂર્ય દેવતાના દર્શન કરાવ્યા હતા. પરંતુ સાંજે 7 વાગ્યા બાદ મેઘાએ શરૂ કરેલી બેટિંગ આખ્ખી રાત ચાલી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રી દરમિયાન 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે સવારે પણ નવસારીમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

નવસારીમાં રાતે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં 19 અને 20 જુલાઈ બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ આ બંને દિવસો દરમિયાન મેઘાએ હાથતાળી આપી હતી અને જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જયારે ગત રોજ ગ્રીન એલર્ટ હતું, જેમાં પણ જિલ્લો વરસાદથી કોરો રહ્યો હતો અને સુરજદાદાએ દર્શન પણ આપ્યા હતા. જોકે સાંજે 7 વાગ્યા બાદ નવસારીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ધીમી ધારે શરૂ થયેલા વરસાદે રાતે 8 વાગ્યે રૂપ બદલ્યું ‘ને શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરના અનેક રસ્તાઓ પર પાણી પાણી કરી મુક્યું હતું. જેમાં શહેરના પ્રવેશદ્વાર ગ્રીડ પાસે અહિંસા દ્વાર નજીક, ભારતી ટોકીઝ, જુનાથાણા, લુન્સીકુઈ બાગ પાસે, ગોલવાડ, લાયબ્રેરી, મંકોડીયા સહિતના વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. લગભગ એક કલાકથી વધુની ધમાકેદાર બેટિંગ બાદ મેઘાનું જોર ઘટતા રસ્તાના પાણી ઓસરી ગયા હતા. બીજી તરફ રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં ચીખલીમાં વરસાદનું જોર વધતા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે જ વાંસદા, ખેરગામ અને ગણદેવી તાલુકામાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ પડવા સાથે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે કાવેરી નદીના જળસ્તરમાં 4 કલાકમાં જ દોઢ ફૂટનો વધારો નોંધાયો છે. સવારે 6 વાગ્યે કાવેરી નદી 11.50 ફૂટે વહી રહી છે, જોકે નદીની ભયજનક સપાટી 19 ફૂટ હોવાથી હાલ ચિંતા નથી.

વાંસદાનો કેલીયા ડેમ 90 ટકા ભરાતા, 23 ગામોને સતર્ક રહેવા સુચના

નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં પાણી અને સિંચાઈ માટે બારેમાસ પાણી મળી રહે, એ હેતૂથી વાંસદાનાં જૂજ અને કેલીયા ગામે ડેમ બનાવવામાં આવ્યા છે. બંને ડેમોમાં સારા વરસાદને કારણે પાણીની આવક થઇ છે અને છલકાવાની તૈયારીમાં પહોંચ્યા છે. ત્યારે કેલીયા ડેમ 90 ટકા ભરાતા હાઈ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે. ડેમનું ઓવરફલો લેવલ 13.40 મીટર છે, જયારે ડેમની સપાટી હાલ 112.55 મીટરે પહોંચી છે, જેથી ઓવરફલો થવામાં ફક્ત 0.85 મીટર જ રહેતા વાંસદા, ચીખલી અને ગણદેવીના 23 થી વધુ ગામોને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. બીજી તરફ જૂજ ડેમનું ઓવરફલો લેવલ 167.50 મીટર છે, જે પણ 164.50 મીટર ભરાતા, થોડા દિવસોમાં ઓવરફલો કક્ષાએ પહોંચશે.

નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકનો વરસાદ

નવસારી : 50 મિમી (2.08 ઇંચ)                            જલાલપોર : 43 મિમી (1.79 ઇંચ)

ગણદેવી : 25 મિમી (1.04 ઇંચ)                             ચીખલી : 79 મિમી (3.29 ઇંચ)

ખેરગામ : 44 મિમી (1.83 ઇંચ)                             વાંસદા : 43 મિમી (1.79 ઇંચ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version