રસ્તા પર જ્યાં વધુ ખાડા પડ્યા, ત્યાં પાલિકા નાંખશે લાખોના ખર્ચે બ્લોક
નવસારી : ચોમાસું આવતા જ નવસારીના રસ્તાઓ ચંદ્ર ભૂમિ સમાન બની જાય છે. કારણ શહેરના મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી પડતા જ નાના મોટા ખાડાઓ પડે છે અને તમારૂ વાહન ખાડામાંથી પસાર થતા ચંદ્ર ભૂમિ ઉપરથી પસાર થતા હોય એવી અનુભૂતિ થાય છે. ખાડાઓને કારણે અકસ્માતો પણ સામાન્ય બને છે, પરંતુ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. નવસારી વિજલપોર પાલિકાએ ગત વર્ષે રસ્તાઓ બનાવવા 12 કરોડ ખર્ચ્યા હતા. ત્યારે શહેરમાં કયા રસ્તા પર વધુ ખાડા પડ્યા છે, એને શોધી પાલિકાએ ત્યાં લાખોના ખર્ચે બ્લોક નાંખવાની યોજના બનાવી છે, પણ રસ્તો બનાવનાર કોન્ટ્રાકટર સામે કાર્યવાહીથી પાલિકા બચતી રહે છે.
નવસારીના મુખ્ય માર્ગો તેમજ આંતરિક માર્ગો પર પડેલા ખાડાથી લોકોમાં રોષ
ચોમાસું આવતા જ શહેરીજનો માટે મુશ્કેલીઓની ભરમાર લઇને આવે છે. મુશળાધાર વરસાદ પડતા ડ્રેનેજને કારણે વરસાદી પુરની સ્થિતિ બનતા ઘર અને દુકાનોમાં પાણી ભરાય, જેને કારણે નુકશાની વેઠવા પડે, બીજી તરફ વર્ષોથી નિયમોને આધીન બનતા લાખો કરોડો રૂપિયાના રસ્તાઓ પર વરસાદી પાણી પડતા જ ધોવાય જાય છે અને રસ્તા પર નાના મોટા ખાડા પડે છે. ખાડાઓમાંથી પસાર થતા વાહનચાલકોને ક્યારેક વાહનમાં નુકશાની, શરીરમાં કમર દર્દ અથવા અકસ્માતનો ભોગ બનવું પડે છે, પરંતુ વર્ષો વિતતા પણ સાશનમાં બેઠેલા પદાધિકારીઓ કે અધિકારીઓ ખાડાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકતા નથી. જેને કારણે ચોમાસામાં ખાડા પડતા જ શહેરીજનો પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવી રોષ ઠાલવે છે.
શહેરના આ વિસ્તારોમાં રસ્તા પર પડ્યા ખાડા, ક્યારે થશે સમારકામ..?
નવસારી શહેરમાં જુનાથાણા સ્થિત સ્વામી વિવેકાનંદસર્કલ, ઇન્દિરા સર્કલ, લાયબ્રેરી, જિલ્લા કોર્ટ સામે, લુન્સીકુઈ, સીન્ધીકેમ્પ, સરસ્વતી માતા મંદિર નજીક, વિજલપોર રેલ્વે ઓવર બ્રીજના સર્વિસ રોડ પર, છાપરા રોડ, પારસી હોસ્પિટલથી ધર્મિન નગર જતો માર્ગ, તીઘરા જકાતનાકાથી તીઘરા ગામ તરફ જતો માર્ગ, ઇસ્કોન મંદિર માર્ગ જેવા ઘણા રસ્તાઓ છે, જેના ઉપર વરસાદને કારણે ખાડા પડ્યા છે, પાલિકા દ્વારા ઘણા ખાડાઓમાં ગ્રાવલ નાંખીને ભરવામાં આવ્યા છે, પણ વરસાદ પડતા ફરી પાછી એજ સ્થિતિ, જોકે એમાં વધારો થાય છે.
શહેરના તીઘરા જકાતનાકાથી તીઘરા જતો માર્ગ ગત વર્ષે જ બન્યો હતો, પણ કોન્ટ્રાકટરની કમાલને કારણે રસ્તા પર ડ્રેનેજના ઢાંકણા વ્યસ્થિત નથી રહેતા, ક્યાં ખાડા પડતા લોકોએ હાલાકી વેઠવી પડે છે. રસ્તાઓ વોરંટી પીરીયડમાં હોવા છતાં કોન્ટ્રાકટર સમારકામ કરતા ન હોવાની ફરિયાદો પણ લોક મુખે ઉઠવા પામી છે. બીજી તરફ પાલિકાએ શહેરના ઘણા રસ્તાઓ પર પડેલા વધુ પડતા ખાડાને શોધીને ત્યાં અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે બ્લોક નાંખવાની યોજના બનાવી છે. પણ બ્લોક ઉખડી જાય અથવા એમાં જ ખાડો પડે તો શું વ્યવસ્થા કરશે એની કોઈ યોજના પાલિકા પાસે નથી..!!