દક્ષિણ-ગુજરાત

બેદરકાર પાલિકા શાનમાં સમજે, નહી તો આંદોલન જ વિકલ્પ – શહેર કોંગ્રેસ

Published

on

શહેરમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં નવસારી વિજલપોર પાલિકાની બેદરકારીના આક્ષેપ, એકે જીવ ગુમાવ્યો, બેના જીવન દોજખ

નવસારી : નવસારી શહેરમાં ગત એક મહિનામાં જ પાલિકાની બેદકારી સામે આવી છે, જેમાં એક પછી એક સર્જાયેલી દુર્ઘટનામાં એક યુવાનને જીવ ગુમાવ્યો છે, જયારે અન્ય ત્રણ લોકોનું જીવન દોજખ થઇ પડ્યું હોવાના આક્ષેપો સાથે આજે નવસારી જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે શેહર કોંગ્રેસે પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી, બેદરકારી છોડી શાનમાં સમજી જઈ શહેરમાં જ્યાં જ્યાં ભયજનક જગ્યાઓ અને જર્જરિત મકાનોનો સર્વે કરાવી સલામતીના પગલાં લેવામાં આવેની માંગ કરી છે. નહી તો પાલિકાના ભ્રષ્ટ અને અણધડ વહીવટની પોલ ખોલી ઉગ્ર આંદોલન જ વિકલ્પ હોવાની ચેતવણી પણ આપી હતી.

શહેરમાં મોતને નોતરે એવી જગ્યાઓનો સર્વે કરાવી, સલામતીના પગલા લે પાલિકા

નવસારી વિજલપોર શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે નવસારી વિજલપોર પાલિકાએ પહોંચ્યા હતા અને પાલિકા મુખ્ય અધિકારી જે. યુ. વસાવાને શહેરમાં થોડા જ દિવસોમાં એક પછી એક બનેલી કરૂણ ઘટનાઓમાં પાલિકાની બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં પાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓને અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર જ દેખાતો હોય, પાલિકા સીઓ પણ સાશકોના બેદરકાર વહીવટ સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. ગત દિવસોમાં કન્યા શાળા નં. 3 ની બાજુમાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો અને એ બાંધકામ સાઈટ પાલિકાની હતી. ત્યાં સાઈટની મુલાકાત લેવાની તમારી કે તમારા જવાબદાર અધિકારીની ફરજ હતી કે નહી..?

જયારે કુદરતી કાંસ પર બનેલા પાલિકાના શોપિંગ સેન્ટર મુદ્દે પણ અગાઉ ફરિયાદ કરી હતી, કે હયાત કાંસની પોહળાઈ હિતેચ્છુઓ અને બિલ્ડરોએ સાંકડી કરી કુદરતી કાંસનું વહેણ બદલી નાંખ્યુ છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પગલા ન લેવાતા ગત શનિવારે પડેલા ધોધમાર વરસાદમાં બીલીમોરાના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. જેથી આ ઘટનામાં જે પણ જવાબદાર હોય એની સામે કડક પગલાં લેવામાં આવે અને મૃતકના પરિવારને યોગ્ય સહાય ચુકવવામાં આવે. રખડતા ઢોરની પણ જૂની સમસ્યાને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા તો ઘાયલ પણ થયા છે. તેમ છતાં પાલિકાની આંખ ઉઘડતી નથી. ભૂતકાળ અને હાલમાં બનેલી ઘટનાઓ લખવામાં ઈતિહાસ લખાઈ એવો છે, ત્યારે પાલિકા શાનમાં સમજી જાય અને શહેરમાં ભયગ્રસ્ત સ્થાનો અને જર્જરિત મકાનોનો સર્વે કરી, તાત્કાલિક સલામતીના પગલાં લે એ જરૂરી છે. જો આ અંગે કોઈ નક્કર પગલા લેવામાં નહી આવશે, તો કોંગ્રેસ દ્વારા પાલિકાના ભ્રષ્ટ અને અણધડ વહીવટની પોલ ખોલી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version