પાલિકા પ્રમુખ જીગીશ શાહના સાશનની છેલી સામાન્ય સભામાં અધધ… 218 કામો થયા મંજૂર
નવસારી : નવસારી વિજલપોરના પ્રથમ અઢી વર્ષના પાલિકા પ્રમુખ જીગીશ શાહના સાશનની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં દુષિત પાણી આવતું હોવાથી નાગરીકોએ તેમજ શહેરમાં વરસાદી પાણીના ભરાવા મુદ્દે ભાજપી સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લી સભામાં કરોડોના કામોને લઇ લેવાની હોડ દેખાઈ હતી, જેમાં પબ્લિક વર્કસ સમિતિના સૌથી વધુ 133 કામો સાથે ભાજપી સાશકોએ 218 કામોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારી હતી. જયારે વિપક્ષી સભ્યના વિરોધને પગલે એક કામ મુલતવી રખાયુ હતુ.
વોર્ડ 1 ના નાગરીકોએ પ્લાસ્ટિક બોટલમાં દુષિત પીવાનું પાણી લાવી, પાલિકા પ્રમુખ અને સીઓને પીવા આગ્રહ કર્યો
નવસારી વિજલપોર પાલિકાના ગઠન બાદ પ્રથમ અઢી વર્ષ માટે જીગીશ શાહના હાથમાં સાશન ધુરા આવી હતી. અઢી વર્ષના સાશનમાં પાલિકાએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શહેરમાં શરૂ કર્યા છે, જેમાં ચોમાસા પૂર્વે વરસાદી કાંસની સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે. પરંતુ બે વર્ષથી શહેરમાં ચોમાસામાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા જ જળબંબાકારની સ્થિતિ બને છે, જેથી શહેરીજનોમાં પાલિકાની કાર્યવાહી સામે રોષ જોવા મળે છે. ત્યારે આજે અઢી વર્ષની ટર્મની છેલ્લી સામાન્ય સભા પાલિકા પ્રમુખ જીગીશ શાહની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એજન્ડાના 207 અને વધારાના 12 કામો રજૂ કરાયા હતા. સભાનાં પ્રારંભે ભાજપી અગ્રણી સ્વ. ભગવાનદાસ પાંચોટિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, પરંતુ વરસાદી કાંસમાં મૃત્યુ પામેલા શીખ યુવાનને શ્રદ્ધાંજલિ ન અપાતા વિપક્ષી સભ્યએ નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવાતા દુષિત પાણીથી ત્રાસેલા વોર્ડ નં. 1 ના જાગૃત નાગરિક સાથે વકીલ કનુ સુખડીયા દુષિત પીવાના પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલ લઇ સભામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે શુદ્ધ પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહેલી પાલિકા અને તેના સાશકો સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ દુષિત પાણી પાલિકા પ્રમુખ અને સીઓને આપી, પીવા માટે આગ્રહ કર્યો હતો. જોકે સભા ચાલતી હોવાથી અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન મળતા કનુ સુખડીયા શાંત થયા હતા.
સભામાં સૌથી વધુ રોડ અને બ્લોક પેવીંગના કામો, અંદાજે 23.57 કરોડના કામો મુકાયા
સભામાં પબ્લિક વર્કસ કમિટીના સૌથી વધુ 133 કામો, જેમાં રસ્તા અને બ્લોક પેવીંગનાં કામો હતા, જેમાં થોડા કામોને છોડી અંદાજે 23.57 કરોડ રૂપિયાનાં કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. સાથે જ સભામાં ભાજપી સભ્યોએ જ શહેરમાં ગત દિવસોમાં ભરાયેલા વરસાદી પાણી મુદ્દે સવાલો ઉઠાવી સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી. પાલિકા પ્રમુખ જીગીશ શાહે ભારે વરસાદની સ્થિતિમાં શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો ડ્રોન કેમેરાની મદદથી વિડીયો લઇ, સર્વે કરવામાં આવ્યો છે અને એનો રીપોર્ટ તૈયાર કરી, ભવિષ્યમાં વરસાદી કાંસ કે ડ્રેનેજથી સમસ્યા ન ઉભી થાય એવું આયોજન કરવાની તૈયારી દર્શાવી હતી. જેમાં વરસાદી કાંસ કે ડ્રેનેજ પર દબાણ હશે તો તેને તાત્કાલિક દૂર કરીને કાંસને ખુલ્લી, પહોળી અને ઉંડી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.