નવસારી : નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત પોલીસ વડા સુશિલ અગ્રવાલે જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા એક્શન પ્લાન બનાવી, કાર્યવાહી કરવા સાથે જ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટીમ બનાવીને કામ કરવાની તૈયારી દર્શાવી છે. આજે IPS સુશિલ અગ્રવાલ નવસારી પહોંચતા જ પોલીસ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.
વિદેશી દારૂની હેરાફેરી રોકવા બનાવશે એક્શન પ્લાન
ગુજરાત સરકારે થોડા દિવસો અગાઉ પોલીસ વિભાગના IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો. જેમાં નવસારીના તત્કાલીન જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની બદલી થતા, તેમની જગ્યાએ અમદાવાદ ઝોન 3 ના DCP સુશિલ અગ્રવાલને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી. આજે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા IPS સુશિલ અગ્રવાલે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. પ્રારંભે ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ જિલ્લાના પોલીસ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. વર્ષ 2017 ના બેચના IPS સુશિલ અગ્રવાલે જિલ્લામાં પગ મુકતા જ દારૂની બદીને ડામવા સતર્કતા દર્શાવી હતી. પોલીસ વડા સુશિલ અગ્રવાલે નાગરીકોને તેમની સમસ્યાના હોય તો, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના દરવાજા હંમેશા ખુલ્લા છે અને એનું નિવારણ કરવાની કટિબદ્ધતા પણ દર્શાવી હતી. સાથે જ વિદેશી દારૂની બદીને ડામવા કાયદા હેઠળ જે સત્તા મળી છે, એને આધારે કાયદામાં રહીને વિદેશી દારૂને હેરાફેરી રોકવા એક્શન પ્લાન બનાવી, એના ઉપર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ જિલ્લાના અસામાજિક તત્વોને કાયદામાં રહેવાની ચેતવણી આપી હતી, જયારે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાનું ટીમના સહયોગથી ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યુ હતુ.