નવસારીમાં જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી
નવસારી : ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી વરસાદની પેટર્ન સામે જંગલોને બચાવવા જરૂરી છે, સાથે જ વધુમાં વધુ વૃક્ષો વાવી એમનું જતન કરવામાં આવે એ જરૂરી છે. ત્યારે આજે નવસારીનો જિલ્લા કક્ષાનો 74 મો વન મહોત્સવ રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જિલ્લામાં દરેક પ્રસંગોએ છોડ વાવી, વૃક્ષ ઉછેરવામાં આવે એવા પ્રયાસો કરવા સર્વે મહાનુભાવોએ અપીલ કરી હતી.
વન વિભાગે જિલ્લામાં 698 હેકટર વિસ્તારમાં વૃક્ષો વાવ્યા, 20.64 લાખ રોપા ઉછેર્યા
ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા છેલ્લા 73 વર્ષોથી વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેની જ કડીમાં આજે જિલ્લા કક્ષાનો 74 મો વન મહોત્સવના બીલીમોરા શહેરના સોમનાથ હોલમાં યોજાયો હતો. જિલ્લા સમાજિક વનીકરણ વિભાગ દ્વારા નવસારી જિલ્લાને હરિયાળો બનાવવા થઈ રહેલા પ્રયાસોમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 698 હેકટર વિસ્તારમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ વન વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લાના 129 ગામોને દત્તક લઈ 5 લાખ રોપાઓના વિતરણ સાથે વાવેતર પણ કરવામાં આવ્યું છે. જ્યારે 16 નર્સરીઓમાં 20.64 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજના કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાવી, નવસારીને હરિયાળું બનાવવા વૃક્ષ રથને વન મંત્રી તેમજ જિલ્લાના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ સોમનાથ હોલમાં આયોજિત કાર્યક્રમમાં વિભાગ સાથે સંકળાયેલા અને શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓ તેમજ NGO, સખી મંડળોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કોરોના કાળમાં ઓક્સિજન માટે મારવા પડેલા વલખા વચ્ચે હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બન્યા, ત્યારે ચીખલીના આદિવાસી વિસ્તાર રુમલા ગામે કોરોનામાં ઑક્સિજન ઘટી જતાં એક વૃદ્ધ લીમડાના ઝાડ નીચે રહીને ઓક્સિજનની સમસ્યાનું નિવારણ પણ લાવ્યા અને કોરોનાને હરાવ્યો હોવાનું ઉદાહરણ આપી જીવનમાં વૃક્ષની મહત્વતા સમજાવી વધુમાં વધુ વૃક્ષ વાવવા આહ્વાન કર્યુ હતુ. જ્યારે વન મંત્રી મુકેશ પટેલે જીવનના દરેક પ્રસંગોમાં જેમાં પણ સ્વજન ગુમાવીએ અને સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા માટે પહોંચીએ ત્યારે સ્વજનના નામે સ્મશાનમાં પણ વૃક્ષ વાવી એમના નામને અમરતા બક્ષવા એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી.