ઘરનાં વાડાની બારી ખોલી, તેના સળીયા કાપી ઘરમાં પ્રવેશ્યા હતા ચોર, સીસીટીવીમાં થયા કેદ
નવસારી : ચીખલીના સમરોલી ગામે પટેલ પરિવાર ઘરના ઉપરના માળે સુતો રહ્યો અને મોડી રાતે આવેલા ચોરટાઓએ ઘરના રસોડાની બારીનાં સળીયા કાપીને ઘરમાં પ્રવેશી 2 લાખનાં સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. ઘરની આસપાસ ફરતા 5 ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થતા, ચીખલી પોલીસે તપાસને વેગ આપ્યો છે.
ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજ, ડોગ સ્કવોર્ડ અને FSL ની મદદથી તપાસ આરંભી
મળતી માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના સમરોલી ગામે નવા ફળિયા ખાતે રહેતા કેયુર બાલુ પટેલ તેમના પરિવાર સાથે ગત રાતે પોતાના ઘરના ઉપરના મળે સુતા હતા, દરમિયાન મોડી રાતે 2 વાગ્યા આસપાસ 5 ચડ્ડી બનિયાન ધારી ચોરટાઓ તેમના ઘરના પાછળની ખુલ્લી જગ્યાએથી તેમના ઘર પાસે પહોંચ્યા હતા. જ્યાં વાડામાં રસોડાની બારીને કોઈ તીક્ષ્ણ સાધન વડે ખોલી, બારીના લોખંડના સળીયા હેકસો બ્લેડ જેવી કોઈ વસ્તુથી કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરટાઓએ બારીના સળીયા કાપ્યા પણ કેયુર પટેલ કે તેના પરિવારનો કોઈ સભ્ય જાગ્યુ ન હતું. બીજી તરફ ઘરમાં પ્રવેશેલા ચોરટાઓ ઘરના રૂમના કબાટને તોડી તેમાંથી સોનાનું મંગળસુત્ર, ગળાના દોક્યુ અને નવ સોનાની વીટીઓ મળીને 2 લાખ રૂપિયાના દાગીના ચોરીને ઘટના સ્થળેથી ફરાર થયા હતા. આજે સવારે જ્યારે કેયુરનો પરિવાર ઉઠ્યા બાદ નીચે આવ્યો, તો ઘરમાં સામાન વેર વિખેર પડ્યો હતો. ઘરના કબાટ ખુલ્લા હતા અને સોનાના દાગીના ગાયબ હતા. જેથી ઘરમાં ચોરી થયાનું જણાતા કેયુરે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાઓ તપાસતા, ચોરટાઓની કરતૂત જોવા મળી હતી. જેથી કેયુરે ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી, સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ચોરટાઓનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ ડોગ સ્કોવોર્ડ અને FSL ની મદદથી પણ તપાસને વેગ આપ્યો છે.
ચોર ઘરની બારીના સળીયા કાપી, 2 લાખના દાગીના ચોરી ગયા