નવસારી : નવસારી શહેરના વિરાવળ જકાતનાકા પાસેથી પ્રતિબંધિત ઈ સિગારેટ વેચતા એક દુકાનદારને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 51 હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ આરંભી છે.
આરોપી પાસેથી અલગ અલગ ફ્લેવરની ઈ સિગારેટ અને ચેન્જેબલ પોડ મળ્યા
મળતી માહિતી અનુસાર, નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસના હેડ કોન્સ્ટેબલ સંતોષ સુનીલ અને કોન્સ્ટેબલ કિરણ દિનેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવસારી શહેરના વિરાવળ જકાતનાકા પાસે અલ્ટીમેટ હાઈટ્સના ફ્લેટ નં. બી – 903 માં રહેતો અમ્માર અસ્લમ ભીમાણી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ ઈ સિગારેટ લઈને વેચવા માટે નીકળ્યો છે. ત્યારે પોલીસે વિરાવળ જકાતનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી, અમ્માર ભીમાણી આવતા જ તેને અટકાવી, તેની પાસેની બેગની તપાસ કરતા તેમાંથી 11,500 રૂપિયાની 5 ઈ સિગારેટ અને 40 હજાર રૂપિયાના અલગ અલગ ફ્લેવરના ચેન્જેબલ પોડના બોક્ષ મળી આવ્યા હતા. જેથી પોલીસે ગેરકાયદે પ્રતિબંધિત ઈ સિગારેટ રાખવાના ગુનામાં અમ્માર ભીમાણીની ધરપકડ કરી, નવસારી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. સાથે જ આરોપી પ્રતિબંધિત ઈ સિગારેટ ક્યાંથી લાવ્યો, કેટલા સમયથી પ્રતિબંધિત ઈ સિગારેટનો વેપાર કરે છે એ દિશામાં તપાસને વેગ આપ્યો છે.